મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસ માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તથા શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા ખેડા જિલ્લાના શ્રમયોગીઓ માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રયોગિક પ્રારંભ ખેડા જિલ્લાના નડિયાદથી કરવામાં આવ્યો હતો. શ્રમયોગીઓના લાભ માટે આ અનોખી યોજનાને ખેડા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રસ્થાપિત થયેલ સુશાસનની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં પ્રજા અને સરકાર બંને એક બની ગયા છે. જેના પરિણામ સ્વરૂપે છેવાડાના માનવીની ચિંતા કરતી સરકાર રોડ, રસ્તા, પાણી, સ્વાસ્થ્ય જેવી માળખાકીય સુવિધાઓના તમામ માપદંડોમાં અગ્રેસર રહી પ્રત્યેક સરકારી યોજનાનો ૧૦૦ % લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સતત પરીણામલક્ષી કાર્ય કરી રહી છે.
આજે સરકારી યોજનાના લાભ આપવાની કામગીરી તેના સેચ્યુરેશન પોઇન્ટ તરફ આગળ વધી રહી છે. નલ સે જલ યોજના, આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, ઉજ્વલા, સ્વચ્છ ભારત મિશન વગેરે યોજના દ્વારા લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર વિકાસની રાજનીતિનો આરંભ થયો છે. આજે દેશના કોઈ પણ ભાગમાં ચૂંટણી અંગેની ચર્ચામાં વિકાસની વાત કેન્દ્રમાં મુકવી જ પડે છે. વડાપ્રધાનના ૯ વર્ષનો સુશાસનકાળ દરમિયાન વિકાસનો સૌથી વધુ લાભ ગુજરાતને થયો છે. પીએમ સ્વનીધી યોજના અંતર્ગત ગુજરાતમાં ૩ લાખ લોકોને લોનનો લાભ મળ્યો છે. તથા પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા ૪૬ કરોડ ખાતેદારોને ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સરકારી યોજનાઓના નાણા સીધા તેમના ખાતામાં જ મળતા વચેટિયાઓનું કલ્ચર નાબૂદ થયું છે. અંત્યોદય શ્રમિક યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ યોજનાનો હેતુ કોઈ પણ અકસ્માત કે મૃત્યુના કિસ્સામાં શ્રમિકો માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે. શ્રમિકોને તબિબી સુરક્ષા કવચ મળતા તેઓ વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બનશે. આ વીમા સુરક્ષા યોજના અંતર્ગત રૂ. ૨૮૯ અને રૂ. ૪૯૯ના પ્રિમિયમ દ્વારા શ્રમિકોના આકસ્મિક મૃત્યુ, આંશિક અથવા વિકલાંગતાના કિસ્સામાં વઘુમાં વધુ રૂ. ૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવશે. આ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના શ્રમ યોગીઓને સશક્ત બનાવવા ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગંગાસ્વરૂપા યોજના અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા લાભાર્થીઓના ઘર સુધી જઈને તેમને લાભ પહોંચાડવાના કાર્ય બદલ પોસ્ટ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર ભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટીના પરિણામે આજે ભારત જેવા વિશાળ દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે. આજે વિશ્વના કુલ ડિજિટલ પેમેન્ટમાં ૪૦ ટકા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ભારતમાં થઈ રહ્યો છે. ચાની કીટલી, શાકની લારી જેવા નાના સ્થળોએ જોવા મળતો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ‘મેરા દેશ બદલ રહા હૈ’ નું ચિત્ર પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલનો આભાર વ્યકત કરતા જણાવ્યું કે, પંડિત દીનદયાલ ઉપાધ્યાયે વિચાર્યું હતું કે, દેશને સમૃદ્ધ બનાવવો હોય તો શ્રમિકોને પગભર બનાવવા પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતભરના શ્રમિકોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાનું ઘડતર કર્યું છે.
વધુમાં મંત્રીએ કોરોના સમયગાળા દરમિયાન પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે જણાવ્યું હતું કે, કોરોના સમયગાળા દરમિયાન જયારે બેન્કિંગ સેક્ટર બંધ હતું ત્યારે ભારતીય ડાક વિભાગના ગ્રામીણ ડાક સેવકો થકી શ્રમિકો પોતાના માતા – પિતા, બાળકોને મનીઓર્ડર દ્વારા પૈસા મોકલતા હતા. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ભારતભરમાં ૫ હજાર થી વધુ પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવામાં આવશે. આ પોસ્ટ ઓફિસો પોસ્ટ વિભાગના વિશ્વાસ પાત્ર નેટવર્ક સાથે ભારતના વધુમાં વધુ લોકોને નજીવા પ્રીમિયમ સાથે ઇન્સ્યોરેન્સનો લાભ આપશે. તેમણે ઉમેર્યું કે, આવનારા સમયમાં ભારતના ૨૮ કરોડ શ્રમિકોના ડેટા લઈને તેમને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના આપવામાં આવશે. સામાન્ય લોકો માટે પણ આ યોજના ટૂંક સમયમાં લાવવામાં આવશે.
આ પ્રસંગે મંત્રીએ ખેડા જિલ્લામાં ૬૦ દિવસમાં ૧૦ લાખ મહિલાઓના પોસ્ટ વિભાગમાં ખાતા ખોલાવવા બદલ પોસ્ટ વિભાગના કર્મચારીઓને અભિનંદન પાઠ્વ્યા. સાથેસાથે મંત્રી ખેડા જિલ્લામાં ૬૦ દિવસમાં ૧ લાખ ગરીબ પરિવારોને “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” નો લાભ મળશે તેવો મુખ્યમંત્રીને વિશ્વાસ આપાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાના ૧૧ લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમજ સુકન્યા સમૃદ્ધિ યોજનાના બે લાભાર્થીઓને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ખેડા જિલ્લાના પોસ્ટ વિભાગના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામીણ ડાક સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના સી.ઈ.ઓ વેંકટેશ રામાનુજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યકક્ષા મંત્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લાના પદાધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્ર અને ડાક વિભાગના સૌ કર્મચારીઓનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ,મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા,અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ,ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા,પોસ્ટ મહાનિર્દેશક નીરજ મહાજન, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકના સી.ઈ.ઓ વેન્કેટસ રામાનુજ તેમજ જિલ્લાના પ્રાંત અધિકારીઓ,જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.