ખેડા જિલ્લામાં નડિયાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ૧૫મા નાણાપંચ હેઠળ કુલ રૂ. ૧ કરોડ ૨૦ લાખના ખર્ચે ખરીદેલ મીની ટ્રેક્ટર ટ્રોલીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતામાં વધારો કરવાના હેતુથી ખેડા જિલ્લા પંચાયત દ્વારા ૧૫ મા નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાની ૧૦ ટકા ગ્રાન્ટમાંથી આયોજન સમિતિ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઘન કચરાના નિકાલ માટે મીની ટ્રેક્ટર ટ્રોલીના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેની કામગીરી પૂર્ણ થતા તા. ૦૫ જુલાઈ ૨૦૨૩ના રોજ આ ટ્રેકટર ટ્રોલીનો લાભ જિલ્લાના કુલ આઠ તાલુકાના ૨૪ ગામોને ૨૪ ટ્રેકટરો ગામની સ્વચ્છતાના હેતુથી મંત્રી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે સ્વચ્છતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ગામ સ્વચ્છ હશે તો તાલુકો સ્વચ્છ થશે અને તાલુકો સ્વચ્છ હશે તો જિલ્લો સ્વચ્છ રહેશે. ૧૫મા નાણાંપંચ અંતર્ગત આજે ઘન કચરાના નિકાલ માટે ૨૪ ગામોમાં રૂ. ૧ કરોડ ૨૦ લાખના ખર્ચે ખરીદેલ મીની ટ્રેક્ટર ટ્રોલી ગામડાઓમાં સ્વચ્છતાનું યોગ્ય કામ કરશે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ગામના લોકો પોતાનો ઘન કચરો આ ટ્રોલીમાં નાંખી પોતાના ગામને અને પોતાના પરિવારને બિમારીઓથી બચાવી શકે છે. સાથોસાથ પોતાના ગામને સ્વચ્છ ગામ બનાવી ગુજરાતમાં અને દેશમાં પોતાના ગામની સ્વચ્છતાની છબી ઉભી કરી શકે છે.
દેવુસિંહ ચૌહાણે જિલ્લા વિકાસ અધિકારી જોડેથી ૧૫મા નાણાપંચ અંતર્ગત મળેલા બજેટના ખર્ચના આયોજન અંગે જાણી તેમની કામગીરી બિરદાવતા જણાવ્યું કે, જિલ્લામાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના સામુહિક પ્રયાસો થકી જિલ્લાનો, તાલુકાનો અને ગામડાનો વિકાસ થઇ શકે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ૧૫ મા નાણાંપંચ અંતર્ગત ખરીદેલ ટ્રેક્ટર ટ્રોલી ૨૪ ગામડાઓમાં ફરીને સૂકો કચરો અને ભીનો કચરો ભેગો કરી તાલુકા કક્ષાએ લાવશે અને ભેગો કરેલ કચરાને યોગ્ય રીતે રિસાયકલ કરી જે નાણાં આવે તે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં કેવી રીતે ઉપયોગ કરવું તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ મંત્રી દ્વારા PMJAY કાર્ડના લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા. ૧૫ મા નાણાંપંચ અંતર્ગત ખરીદેલ ટ્રેક્ટર/ટ્રોલી સરકારના નિયમોનુસાર GeM Portal મારફતે ખરીદવામાં આવ્યા છે. જે ખેડા જિલ્લાના જુદા જુદા તાલુકામાં કાર્યરત રહી ઘન કચરાનો નિકાલ કરશે
આ કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નયનાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લાના ગ્રામ્યકક્ષાના સરપંચઓ, કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ અને જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.