નડિયાદ પંથકના કણજરી ચોકડી પાસે સિમેન્ટ આર્ટીકલની ૩ ફેક્ટરીમાં તસ્કોરોએ ચોરીને અંજામ આપ્યો છે. આઈસર ટ્રક લઈને આવેલા તસ્કરોએ રૂપિયા ૮૦ હજારના લોખંડનો સમાન ઉઠાવી ગયા છે. સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતાં ૪ અજાણ્યા ઇસમો સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આણંદ તાલુકાના ચિખોદરા ગામે રહેતા મનોજકુમાર બાબુલાલ પટેલની નડિયાદ તાલુકાના કણજરી ચોકડીએ સિમેન્ટ ફેક્ટરી આવેલી છે. જેમાં સિમેન્ટ આર્ટિકલ બનાવવાનું કામ કરવામાં આવે છે. ૨૪ જુનની રાત્રિના અંધારામાં કોઈ તસ્કરોએ ફેક્ટરીમાં પી.સી.વાયર, લોખંડની પ્લેટો, એંગલો, ફર્મા તથા લોખંડનો અન્ય સામાન ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે સવારે આ વાતની જાણ મનોજકુમારને થઈ હતી. મનોજકુમારે ફેક્ટરીમાં લગાવેલા સીસીટીવી ચેક કરતાં ૪ અજાણ્યા તસ્કરો આઈસર ટ્રક લઈને તેમની ફેક્ટરીમાં આવ્યા હતા અને આ લોખંડનો સરસામાન ટ્રકમાં ભરતા નજરે પડ્યા હતા.
ત્યારબાદ મનોજકુમારે એસોસિએશનમા જાણ કરતાં ખબર પડી કે આ દરમિયાન નજીક આવેલ અન્ય બે સિમેન્ટની ફેક્ટરીમાંથી પણ ચોરી થઈ હતી. આ ઉપરાંત પાર્ક કરેલ એક આઈસર ટ્રક બેટરી મળી કુલ રૂપિયા ૮૦ હજારના લોખંડનો સામાન લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે મનોજકુમારે ચકલાસી પોલીસમાં અજાણ્યા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.