ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં અષાઢી ત્રીજના દિવસે પુષ્યનક્ષત્રમાં ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન મંદિર પ્રશાસન દ્વારા સવારે ભગવાનને રથમાં બીરાજ્યા એ પહેલા જ ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતાં સૌપ્રથમ મંદિર પરિસરમાં રથને ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ વાજતે ગાજતે ભવ્ય રથયાત્રાનો મંદિર પ્રાગણથી પ્રારંભ થયો હતો.
૩ રથમા ઠાકોરજીને બેસાડી મંદિરમાંથી ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ૨૫૧ મી રથયાત્રા પ્રસંગે મંદિર પરિસર ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતુ. સવારે ૯ વાગ્યે મંદિર પરિસરથી નીકળેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
પરંપરાગત રથયાત્રા ડાકોર શ્રી રણછોડજી મહારાજની ગણવામાં આવે છે. આઠ કિલોમીટર લાંબી રથયાત્રામાં હજારો ભક્તો જોડાયા છે. આ રથયાત્રા નિજ મંદિરમાંથી નીકળી સૌપ્રથમ લાલબાગ, રાધા કુંડ, માખણીયા આરે, ગાયોના વાડે, રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ, લક્ષ્મીજી મંદિર થઈ સાંજે સાત વાગ્યાના અરસામાં નિજ મંદિરમાં પહોંચશે. નિજ મંદિરમાં પહોંચતા રણછોડરાયના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજની નજર ઉતારવામાં આવશે. ત્યારબાદ આરતી કરી ગોપાલ લાલજી મહારાજને પરત નિજ મંદિરમાં બિરાજમાન કરાશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ગોપાલ લાલજી મહારાજ અલગ અલગ સવારીમાં બિરાજમાન થનાર છે.
ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા અને ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ફણગાયેલા મગ, જાંબુ, કેરી, ચણાના પ્રસાદ ગ્રહણ કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ રથયાત્રાના રૂટમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે.