વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે રવિવારના રોજ દેવોને ૪,૦૦૦ કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. આ ઉપરાંત સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી મંદિરમાં બિરાજતા દેવોનો છારોડી ગુરુકુલના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથીરાજોપચાર પૂજન કરાયું હતું. જ્યારે ૧૦૦૦ કિલો પુષ્પ પાંદડીઓથી દેવોનો ભવ્યાતિભવ્ય પુષ્પાભિષેક કરાયો હતો. આ પ્રસંગે હજારો હરિભક્તો એ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, નાસિકના પુરાણી જ્ઞાનજીવન સ્વામીની સેવા અનોખી છે. વડતાલ ધામ હવે ઉત્સવ ધામ બની ગયું છે હરિભક્તો શ્રીજીના રાજીપા અર્થે અવનવા વાઘા તથા વિવિધ ફળોના અન્નકૂટ, વિવિધ ડ્રાયફ્રુટ અન્નકૂટ ભરી દેવોનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે. તારીખ ૧૩ મી ને રવિવારના રોજ પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસીકવાળાની પ્રેરણાથી તેમના જ સેવક પૂ માધવ સ્વામી – તપોવન બ્રહ્મચર્યાશ્રમ સ્વામિનારાયણ મંદિર નાસિક શિષ્ય તથા સેવક મંડળ દ્વારા વડતાલ મંદિરમાં બિરાજતા દેવોનું છારોડી ગુરુકુલના પવિત્ર ભૂદેવો દ્વારા રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. દેવોનું ૧૦૦૦ કિલો પુષ્પ પાંદડીઓ દ્વારા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ સહિત આદિ દેવોના પુષ્પા અભિષેક કરાયો હતો રાજોપચાર પૂજન દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના જયધોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસિક તથા યજમાન પરિવારને પુષ્પમાળા પહેરાવીને પુષ્પ પાદડીઓથી અભિષેક કરી સન્માનિત કર્યા હતા ત્યારબાદ દેવોને ૪,૦૦૦ કિલો દ્રાક્ષનો અન્નકુટ ધરાવાયો હતો. દેવોને દ્રાક્ષના વિશેષ શણગાર ધરાવવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. દેવોના દ્રાક્ષના વાઘા હાલોલ રાજી રહેજો ગ્રુપ તથા વડતાલની સાંખ્યયોગી બહેનોએ ૧૨ કલાકની ભારે જહેમત બાદ તૈયાર કર્યા હતા. આ દ્રાક્ષ સંતોને પ્રસાદી આપીને અનાથાશ્રમ – વૃદ્ધાશ્રમમાં વહેંચવાનું આયોજન કરવામાં આવેલ છે. મંદિર મહોત્સવનો લાભ ગરીબ લોકોને પણ મળે, એવી વ્યવસ્થા વડતાલ સંસ્થા કરી રહી છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તથા સંચાલન શ્યામવલ્લભ સ્વામી એ કર્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ