નડિયાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા વાણીયાવાડમા દર્શનાર્થે જતાં વિધવા વૃધ્ધને બે ઈસમોએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી સોનાની બંગડીઓ નહીં પહેરવા આદેશ છે તેમ કહી બંગડીઓ ઉતારી પડીકું બનાવી ધાતુની બંગડીઓ આપી રફુચક્કર થયા છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ શહેરના પેટલાદ રોડ પર બંધન પાર્ટી પ્લોટ પાસે રહેતા ૬૮વર્ષિય વિધવા જ્યોતિકાબેન પ્રવિણભાઇ સુથાર ૬ જુનના રોજ પોતાના ઘરેથી વહેલી સવારે રીક્ષામાં બેસી શહેરના વાણીયાવાડ સર્કલ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જતા હતા ત્યારે મંદિરના ગેટની બહાર બે અજાણ્યા ઈસમોએ જ્યોતિકાબેનને ઉભા રાખ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. હમણા સોનાના દાગીના નહી પહેરવા ઉપરથી ઓર્ડર છે જેથી તમે તમારા દાગીના કાઢી નાખો તેમ કહ્યું હતું.
વૃધ્ધાએ પોતાના હાથમાં પહેરેલ સોનાની આશરે અઢી તોલાની બે બંગડીઓ પોતાના હાથમાંથી કાઢી પાકીટમાં મુકવા જતા આ બંન્ને વ્યક્તિઓએ કહ્યું લાવો પડીકું બનાવી આપી આમ કહી કાગળમાં વીંટીને પડીકું બનાવી આપ્યુ ત્યારબાદ મંદિરે દર્શન કરી પરત બહાર આવીને પડીકું ખોલીને જોયું તો તેમાં સોનાની બંગડીઓની જગ્યાએ અન્ય ધાતુની બંગડીઓ હતી. જોકે પરત આ જગ્યાએ વૃધ્ધ આવ્યા હતા પણ ગઠીયાઓ ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે જ્યોતિકાબેન નડિયાદ ટાઉન પોલીસમાં અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ