રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નડિયાદ દ્વારા ખેડા જિલ્લાના ૯ થી ૧૫ વર્ષના બાળકો માટે તા. ૨૧ મે ૨૦૨૩ થી ૩૦ મે ૨૦૨૩ દરમ્યાન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલાય, નડિયાદ અને શારદા મંદિર ડે સ્કૂલ, નડિયાદ ખાતે ૧૦ દિવસ સમર યોગ કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ સમર યોગ કેમ્પમાં ખેડા જિલ્લાના ૧૬૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં યોગ ટ્રેનરો દ્વારા બાળકોને વિવિધ યોગ કરાવવામાં આવ્યા હતા. તેમજ યોગથી શું ફાયદા થાય છે તેના વિષે જણાવવામાં આવ્યું હતું. તેમજ અંતિમ દિવસે યોગ સંબધિત પરીક્ષા પણ લેવામાં આવી હતી. જેમાં યોગ પ્રત્યે જાગૃતતા વધારવા, દૈનિક જીવનમાં યોગ અપનાવા, યોગ થકી શારીરિક અને માનસિક વિકાસ થાય છે, યોગ આપણને રોગમાંથી મુક્તિ આપે છે વગેરેની સમજ માર્ગદર્શન સાથે નિદર્શન દ્વારા આપવામાં આવી હતી.
આ સમર યોગ કેમ્પમાં સફળતાપુર્વક ભાગ લીધેલ તાલીમાર્થીઓને ખેડા જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, બ્રહ્માકુમારી સેન્ટર નડિયાદના સ્મિતાબેન, જિલ્લા યોગ-કોર્ડીનેટર મિલન ભાઈ પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી ડૉ. ચેતન શિયાણીયા, દ્વારા પ્રમાણપત્ર, કેપ તેમજ યોગ પુસ્તિકા આપી સન્માંનીત કરવામાં આવ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ