નડિયાદના પીપળાતા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ચોરી કરવાના ઈરાદે પાણીના પંપની લોખંડની પાઈપ કાપી રહેલો ગામનો જ શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ શખ્સે સત્તર દિવસ અગાઉ ખેતર માલિકનાં ભાઈના ફાર્મમાંથી મોટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ તાલુકાનાં પીપળાતા ગામમાં રહેતાં સતીષભાઈ ઉદેસિંહ સોઢાનું ગામની સીમમાં ખેતર આવેલ છે. બીજી મે એ કોઈ અજાણ્યો તસ્કર તેમના ફાર્મમાં બનાવેલ બોરમાંથી ૧૨ હજારની કિંમતની મોટરની ચોરી કરી લઈ ગયો હતો. તે વખતે સતીષભાઈએ આ અંગે પોલીસમાં ફરીયાદ આપી ન હતી. પરંતુ પોતાની રીતે ચોરની તપાસમાં લાગ્યા હતા. દરમિયાન શુક્રવારનાં રોજ સવારનાં સમયે સતીષભાઈ પોતાના ભત્રીજા ધર્મેશભાઈ ભરતભાઈ પરમારના ખેતરમાં, અશોક રયજીભાઈ પરમાર ચોરી કરવાના ઈરાદે હેક્ઝોબ્લેડ વડે પાણીના પંપની લોખંડની પાઈપ કાપતાં પકડાઈ ગયો હતો. તેની પુછપરછ કરતાં તે ખેતરમાં પાઈપની ચોરી કરવા આવ્યો હતો અને અગાઉ સતીષભાઈના ગુરૂકૃપા ફાર્મમાંથી મોટરની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. જેથી સ્થાનિકોએ પોલીસને બોલાવી તસ્કર અશોકને પોલીસને સોંપ્યો હતો. આ મામલે સતીષભાઈ ઉદેસિંહ સોઢાની ફરીયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે અશોક પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ