નડિયાદમાં લોનની લાલચ આપી કપડવંજના દંપતિએ છેતરપિંડી કરી છે. ગ્રુપ લોન મામલે ૧૭ લોકોને વિશ્વાસમાં લઈને કુલ રૂપિયા ૪.૪૭લાખની છેતરપિંડી કરી છે. આ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ શહેરમાં ડભાણ ભાગોળ વિસ્તારમાં શક્કકુઇ, ફતેહ મસ્જીદની બાજુમાં, રહેતા મહેરોજબાનુ મોહસીનખાન પઠાણ પોતે વર્ષ ૨૦૧૨થી ગ્રુપ લોનનુ કામ કરે છે. જે બહેનોનુ સીબીલ સ્કોર સારો હોય તેઓને ભેગા કરીને ગ્રુપ લોન અપાવવાનું કામ કરે છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ના સમયગાળા દરમીયાન રિલાયન્સ પ્રા.લિ.માંથી લોન લીધી હતી. આ વખતે કપડવંજ તાલુકાના મોટીઝેર ગામના આ કંપનીમાં રીકવરી એજન્ટ તરીકે કામ કરતાં જયેશકુમાર છગનભાઇ પંડ્યા સાથે સંપર્ક થયો હતો. ગત ૨૬ મી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન આ જયેશભાઇએ સંપર્કમાં આવેલા નડિયાદના મહેરોજબાનુ પઠાણને ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ગૃપમાં જો કોઇને લોનની જરૂર હોય તો તેને લોન અપાવીશ અને આ અંગે આપણે આવતીકાલ તમારા ઘરે સવારે મીટીંગ રાખીશું. જેથી જેને પણ લોનની જરૂર હોય તેને મીટીંગમાં બોલાવી લેવા કહ્યું હતું. ત્યારબાદ બીજા દીવસે આ જયેશકુમાર છગનભાઇ પંડ્યા તથા તેમની પત્નિ રાધિકાબેન જયેશકુમાર પંડ્યા બન્ને જણાએ મહેરોજબાનુના ઘરે મીટીંગ રાખી હતી. આ સમયે લોનની લાલચ આપી અલગ અલગ લગભગ ૧૭ વ્યક્તિઓ પાસેથી થોડા થોડા નાણાં ઉઘરાવ્યા હતા. ૧૦ ટંકા રકમ લોન ચાર્જ તથા પ્રોસેસીંગ ચાર્જ પેટે ઉઘરાવ્યા હતા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ લીધા હતા. વિશ્વાસ આવે તે હેતુસર બે વ્યક્તિઓને લોન નાણાં મોકલી આપ્યા હતા. પરંતુ બીજા વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરી હતી. આ જયેશકુમાર છગનભાઇ પંડ્યાએ કુલ રૂપિયા ૪ લાખ ૪૭ હજાર ઉઘરાવી નાણાંની લોન ન અપાવી તેમજ આ નાણાં વ્યક્તિઓને પરત ન કરી છેતરપિંડી કરી છે. રૂપિયા આપ્યા ત્યારે રસીદ પણ આપી નહોતી. આથી આ બનાવ સંદર્ભે મહેરોજબાનુ મોહસીનખાન પઠાણે નડિયાદ ટાઉન પોલીસમાં જયેશકુમાર છગનભાઇ પંડ્યા તથા તેમની પત્નિ રાધિકાબેન જયેશકુમાર પંડ્યા સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ