જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ખેડા જિલ્લાના માતર તાલુકાના નગરામા સુધારણા જુથ પાણી પુરવઠા યોજના ગ્રુપ-એ (ભાગ-૧)ની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક ગામમાં પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. નગરામા ગામમાં સરફેસ પાણી મળી રહે તે માટે ૯૫ કરોડના ખર્ચે ૫૮ ગામને લાભ મળે એ રીતે જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેની કામગીરી ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થશે. આ યોજના થકી માતર અને વસો તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે પાણીનો શુદ્ધ અને સ્થાયી સ્ત્રોત ઉભો થશે.
ઉલ્લેખનીય છે કે પરીએજ તળાવ આધારિત નગરામા સુધારણા જુથ પાણી પુરવઠા યોજના ગ્રુપ-એ (ભાગ-૧) અંતર્ગત માતર તાલુકાના ૨૩ ગામ, ૨૬ પરા અને વસો તાલુકાના ૦૪ ગામ અને ૦૬ પરા એમ કુલ ૨૭ ગામ અને ૩૨ પરાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજનાને તા.૨૨ જુલાઈ ૨૦૨૨ ના રોજ અંદાજીત કિંમત રૂ.૯૯૪૬.૯૪ લાખ નેટ તથા રૂ.૧૧૭૦૦.૦૪ લાખ ગ્રોસ માટે વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. આ યોજનામાં માતર તાલુકાના પરીએજ ગામ ખાતેના પરીએજ તળાવ પાસે ઇન્ટેકવેલ બનાવી અંદાજે ૧૯૯.૮૧ કિ.મી. લંબાઈની રાઈઝીંગ મેઈન તથા ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન બનાવવામાં આવશે. આ પાઈપલાઈન મારફતે માતર તાલુકાના નગરામાં હેડવર્કસ ખાતે ૨૨.૦૦ એમ.એલ.ડી ક્ષમતાના WTP (વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં પાણીનું શુદ્ધિકરણ કરી નગરામાં હેડવર્કસ ખાતેના ૧૪૦ લાખ લીટર ક્ષમતાના સંપમાં પાણીનો સંગ્રહ કરી પમ્પીંગ મશીનરી દ્વારા અલીન્દ્રા સબ હેડ વર્કસ તથા કુંજેરા સબ હેડ વર્કસ ખાતે આવેલ ૧૮.૫૦ લાખ લીટર તથા ૯ લાખ લીટર ક્ષમતાની આર.સી.સી. ઉંચી ટાંકીમાં પાણી પમ્પીંગ કરવામાં આવશે. ત્યાર બાદ વિતરણ વ્યવસ્થા મારફતે ગ્રામ્ય સ્તરે ૫૬ નંગ ભુગર્ભ સંપ બનાવી પીવાના પાણીનો સંગ્રહ કરવાની કામગીરી કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ ૫૮ નંગ પંપરૂમ, ૫૮ નંગ પંપીંગ મશીનરી, અલીન્દ્રા, કુંજેરા અને માતર હેડ વર્કસ ઉપર કમ્પાઉન્ડ વોલ અને એપ્રોચ રોડ ઉપરાંત નગરામા હેડ વર્કસ ખાતે કમ્પાઉન્ડ વોલ, નગરામા હેડ વર્કસ ખાતે સ્ટાફ ક્વાર્ટર ૧ નંગ વગેરે ઘટકોનો સમાવેશ કરેલ છે. જે કામગીરી માહે ઓક્ટોબર, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજના દ્વારા લાભાર્થી ગામોમાં વ્યક્તિદીઠ દૈનિક ૧૦૦ લીટર સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર કરેલ પાણી આપવાનું આયોજન છે. આ પ્રસંગે માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મુખ્ય ઇજનેર પાણી પુરવઠા વિભાગ અમદાવાદ, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ નડિયાદ, નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ માતર, માતર મામલતદાર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ