આજની ભાગદોડ ભરી જિંદગીમાં નિરાંતની બે પળો કાઢવી સૌના માટે મુશ્કેલ બન્યું છે. ત્યારે કપડવંજ વિશા-નીમા જૈન સંઘના મુંબઈ, અમદાવાદ, સુરત શહેરોમાં રહેતા ૨૦૦ થી વધુ યુવાઓએ જીલે જિંદગી કાર્યક્રમ અંતર્ગત માદરે વતન આવી ૩ દિવસ મોજ, મસ્તી કરી જુની યાદોને તાજી કરી હતી. યુવાઓ સાથે મોટેરાઓ પણ જોડાયા હતા, જેઓએ જુની રમતો રમી, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને આજની પેઢી ગાડી, બંગલો, રૂપિયા, બ્રાન્ડેડ કપડાં અને મોટા શહેરોમાં રહેવું એને જ સુખ શાંતિ સમજી રહી છે પણ સમય જતાં ધીરે ધીરે સૌને અનુભવ થઈ રહ્યો છે, કે સાચું સુખ-શાંતિ ગાડી, બંગલા, રૂપિયામાં નહી, પણ મિત્રો, પરિવારો અને વતનમાં છે. બસ આજ વાતને સમજી જૈન સમાજના યુવાઓએ પોતાના ધંધા, રોજગારને દૂર રાખી કપડવંજ નેમીનાથજીની વાડીમાં ત્રણ દિવસ રોકાઈ ભુલાઈ ગયેલી રમતો લખોટી, ગિલ્લી દંડા, બેડ-મિન્ટન, સંગીત ખુરશી, ખો-ખો, ક્રિકેટ, ટાયરની ગેમ, કોથળા દોડ, ભમરડા, ડબ્બા આઇસ-પાઇસ, સતોડીયુ, લીંબુ ચમચી, હસવું ને લોટ ફાકવો, ગરબા, બરફ ગોલા, કાચી કેરી, બળદ ગાંડાની મોજ માણી હતી. ત્રણ દિવસ દરમિયાન સૌ યુવાઓએ શહેરના નવ દેરાસરોમાં પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત પ્રસંગે રમાયેલ રમતોના વિજેતાઓએ મળેલ ઇનામની તમામ રકમ કપડવંજ પાંજરાપોળ ખાતે દાન પેટે આપી દીધી હતી. કાર્યક્રમ થકી સૌને નવા મિત્રો મળ્યા, જુના સંબંધો તાજા થયા અને નિકટતા પણ વધી હતી. આવતા વર્ષે ફરી એકવાર આ રીતે ભેગા થવાનું પ્લાનીંગ કરી આ ત્રણ દિવસને જીવનનો યાદગાર અને સુવર્ણ અવસર લેખાવ્યો હતો. વતનમાં આવેલા યુવા હૈયાઓએ શહેરની ઐતિહાસિક સ્થળો કુંડવાવ, બત્રીસ કોઠાની વાવ, વ્હોરવાડ, નીલકંઠ મહાદેવ સહિત અનેક સ્થળોની મુલાકાત માટે હેરિટેજ વોક પણ કરી હતી. વડવાઓએ બનાવેલ દેરાસરો, સ્મૃતિ મંદિર, પાઠશાળા વગેરેનું ગૌરવ પણ અનુભવ્યું હતું. શહેરની ગલીઓ, પોળોમાં ફરી જૂની યાદો, જુના સંસ્મરણો પણ વાગોળ્યા હતાં.
નરેશ ગનવાણી : નડિયાદ