કહેવાય છે કે નારી તું નારાયણી. આપણા ભારત દેશમાં નારીને શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. આજની નારી પુરુષ સમોવડી છે અને અનેક ક્ષેત્રે નામના કાઢી છે, તેમ છતાં પણ વર્તમાન સમયમાં નારીના જીવનમાં અનેક આર્થિક, સામાજીક તથા કૌટુંબિક પ્રશ્નો જોવા મળે છે. સમાજમાં પ્રવર્તતા નારીને લગતાં અનેક પ્રશ્નોનું નિવારણ મળે તે માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ, નડિયાદ દ્વારા વિશેષ પ્રશ્નમંચ – વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશિષ્ટ પ્રકારના રસપ્રદ કાર્યક્રમમાં નડિયાદની વિવિધ ક્ષેત્રોની અનુભવી અને અગ્રણી મહિલાઓના મંચ દ્વારા સફળ વાર્તાલાપનું આયોજન થયું. વિશેષ ભગિની નયનાબેન પટેલ – પ્રમુખશ્રી ખેડા જિલ્લા પંચાયત, ભગિની રંજનબેન વાઘેલા – પ્રમુખશ્રી નગરપાલિકા નડિયાદ, ભગિની રક્ષાબેન મહેતા – એડવોકેટ, ભગિની કલ્પનાબેન ત્રિવેદી – આચાર્યશ્રી સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, ભગિની ડૉ. સુજાતાબેન રાજાપુરકર, ભગિની જયશ્રીબેન વૈષ્ણવ – એડવોકેટ, ભગિની વિભાબેન પટેલ, ભગિની હેતલબેન પટેલ – આયુ. ગાયનેક તથા ભગિની પ્રજ્ઞાબેન ગોર – બધિર વિદ્યાલય, ભગિની મમતાબેન ગુપ્તા, ભગિની કલ્પનાબેન શાહ, ભગિની શિલ્પાબેન, ભગિની ડૉ. અર્પિતાબેન ચાવડા વગેરે મહિલા અગ્રણીઓ દ્વારા પ્રશ્નમંચ વાર્તાલાપ થકી મહિલાઓને વિસ્તૃત સમજ આપી. જેમાં વિશેષ ઘર-પરીવારની જવાબદારી, નોકરીની જવાબદારી તથા બાળકોના લગ્ન કે લગ્ન બાદ ઉદ્દભવતી સમસ્યાઓના નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનો હેતુ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તથા પારિવારીક સંતુલન અને શાંતિ જળવાય તે હતું.
સંસ્થાના વડા રાજયોગીની બી.કે. પૂર્ણિમાબેને મહિલાઓને દરેક બાબતોની સમજ કેળવીને મનોબળની વૃદ્ધિ દ્વારા પોતાના પરિવાર તથા અન્ય જવાબદારીઓના નિર્વહન માટે રાજયોગનું જ્ઞાન મેળવવા માટે આહ્વાન કર્યું હતું. નગરની બહોળા પ્રમાણમાં મહિલાઓએ આ કાર્યક્રમનો લાભ લીધો અને આ કાર્યક્રમથી ઉત્સાહિત થઈ આવા કાર્યક્રમ અવારનવાર યોજવા માટે જણાવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ