ત્રણ વર્ષ અગાઉ કપડવંજ તાલુકાના નારના મુવાડામાં અગાઉ થયેલ એક સામાન્ય બોલાચાલીની રીસ રાખી એક જ કુટુંબના આઠ ઈસમોએ એક યુવાનને લાકડીઓથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ કેસમાં કપડવંજ સેશન્સ અદાલતે સાત ઈસમોને આજીવન કેદની સજા ફટકારી ચુકાદો આપ્યો છે.
કપડવંજ તાલુકાના નારના મુવાડામાં રહેતા ૩૪ વર્ષીય વિનોદભાઈ જેઠાભાઈ પ્રજાપતિએ તેમના ઘર નજીક ઢોરઢાખરના છાણનો ઉકરડો બનાવ્યો હતો. ઉકરડાને ભવાન બુધાભાઈ પરમારે કપાસની સાઠીઓ નાંખી ઢાંખી દીધો હતો. જે બાબતે બોલાચાલી થઈ હતી. બનાવના બે ચાર દિવસ બાદ તા.૫ મે ૨૦૨૦ ના રોજ તુ સાઠીઓ લેવાનું કેમ કહેતો હતો કહી ગમે તેમ બોલવા લાગ્યા હતા. બાદમાં ફળીયામાં જ તેમના
કુટુંબના માણસો સહિત આઠેય ઈસમોએ લાકડીઓ લઈ આવી વિનોદભાઈને ખેંચીને ખુલ્લી જગ્યામાં લઈ ગયા હતા. જ્યાં લાકડીઓથી માર મારતા વિનોદભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છોડાવવા વચ્ચે પડનાર પર પણ પથ્થરમારો કર્યા હતા. વિનોદભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકની પત્નિની ફરિયાદને આધારે કપડવંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ કપડવંજ સેશન્સ અદાલતના જજ વી.પી. અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મિનેષ આર. પટેલની દલીલો, પુરાવાને ધ્યાને લઈ અદાલતે સાત ઈસમોને આજીવન કેદની સજા ફટકારી હતી. એક જ કુટુંબના પિતા, પુત્રો સહિતના સભ્યોને એકસાથે આજીવન કેદની સજા પડતા જ તેમના પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ હતી.
નરેશ ગનવાણી : નડિયાદ