મહુધાના ખુટજ ગામે વિધવા માતા પર પુત્રએ જ ચપ્પા વડે હુમલો કરતાં માતા ઘવાઈ હતી. પુત્ર કોઈ કામ ધંધો કરતો ન હતો માતાએ ઠપકો આપતાં આક્રોશમાં આવેલા પુત્રએ ચપ્પુથી હુમલો કર્યો હતો. આ બનાવ મામલે ઘાયલ માતા એ જ પોતાના પુત્ર સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહુધા તાલુકાના ખુટજ ગામે લીમડાવાળા ફળિયામાં રહેતા ૫૦ વર્ષિય કૈલાશબેન જનકભાઈ પટેલ પોતાના એકના એક દીકરા નિલેશ સાથે રહે છે. કૈલાશબેનને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે. કૈલાશબેનના પતિ જનકભાઈ એક વર્ષ અગાઉ મરણ ગયા હતા. ગઇકાલે સાંજના કૈલાશબેને પોતાના દીકરા નિલેશને કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી કૈલાશબેને કામકાજ કરવા બાબતે પોતાના દિકરાને ઠપકો આપ્યો હતો. તે સમયે આક્રોશમાં આવેલા નિલેશે ચપ્પુ વડે પોતાની માતા કૈલાશબેન પર હુમલો કર્યો હતો. નાકના ભાગે ઘસરકો થઈ ગયો હતો અને ચામડી ચીરાઈ ગઈ હતી. આ ઉપરાંત જમણા હાથ પર પણ ઈજા થઈ હતી. જેથી કૈલાશબેનના કૌટુંબિક દોડી આવ્યા હતા અને કૈલાશબેનને સારવાર અર્થે મહુધાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી દવા કરાવી કૈલાશબેન પોલીસ સ્ટેશને આવ્યા હતા અને હુમલાખોર પોતાના દિકરા નિલેશ સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ