નડિયાદના ઉત્તરસંડા ગામે કૃષ્ણનગરીમાં રીસાઈને પડોશમા જતી રહેલ મહિલા બાબતના ઝઘડામાં પડોશી માતા, પુત્રએ તેણીના દિયરની છરાનો ઘા મારી હત્યા કરી નાખી હોવાનો બનાવે સનસનાટી મચાવી છે.
નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે ખારા કુવા રોહિતવાસ પાસેની કૃષ્ણનગરીમાં રહેતા ૩૨ વર્ષિય સમીરભાઇ ભીખાભાઇ વ્હોરા અને તેમની પત્ની હિના વચ્ચે સવારના ઘરના કામકાજ બાબતે ઝઘડો થયો હતો. હિના પતિના બહેન વિશે ગમે તેમ બોલી હતી સાથે રહેતા તેમના નાના ભાઈ શરીફ ઉર્ફે મુસોએ ભાભીને ગમે તેમ ન બોલવા કહ્યું હતું જેથી હીના રિસાઈને પડોશમાં રહેતી રસીદા ઉર્ફે મુન્ની રફીક વ્હોરાના ઘરે જતી રહી હતી. શરીફ ઉર્ફે મુસો પડોશી રસિદા ઉર્ફે મુન્નીના ઘેર ગયો હતો અને તેણે ભાભીને મારી બેન વિશે ગમે તેમ ન બોલવાનુ કહ્યું હતું. હીનાનું ઉપરાણુ લઇ રસીદા ઉર્ફે મુન્ની તથા તેના દિકરા રેહાને તેની સાથે ઝઘડો કર્યો હતો જેના પગલે સમીરભાઈએ ત્યાં જઈ ઝઘડો શાંત પાડી તે પોતાના ભાઈ શરીફ ઉર્ફે મુસાને ઘેર લઈ આવ્યા હતા. તેમની પત્ની હીના તો પડોશી રસિદા ઉફેઁ મુન્ની ના ઘેર જ રહી હતી. દરમિયાન સમીરભાઈના ઘેર ૧૮૧ મોબાઈલવાન આવી હતી. અને મોબાઈલ વાનની ટીમે તેમની અને પત્ની હીનાની પૂછપરછ શરૂ કરી હતી. તે સમયે રસીદા અને તેના દીકરા રેહાન મોટા અવાજે તેમના ભાઈ શરીક ને ગાળો બોલતા હોય ૧૮૧ની ટીમે બંનેને ઊંચા અવાજે ન બોલવાનું કહ્યું હતુ. સાથે ૧૮૧ની ટીમ તેમને અને પત્નીને ચકલાસી પોલીસ મથકે લઈ ગઈ હતી. ત્યારબાદ ઘરે એકલા શરીફ ઉર્ફે મુસા સાથે પડોશી રસીદા ઉર્ફે મુન્ની અને રેહાને ઝઘડો કરી શરીફ ઉર્ફે મુસા ઉંમર વર્ષ ૨૨ ને પેટમાં છરો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. તાત્કાલિક તેને નડીયાદ સિવિલમાં દાખલ કરતા ત્યાં તેનું અવસાન થયું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસે સમીરભાઈ પુરાની ફરિયાદના આધારે માતા પુત્ર સામે હત્યાનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ