કઠલાલ તાલુકાના બાજકપુરા પાસેથી નર્મદાની વાસણા (દાણા) દાપટ માઇનોર કેનાલ પસાર થાય છે. કેનાલમાં બાજકપુરા ગામ પાસે નર્મદા માઈનોર કેનાલમાં મોડી રાત્રે ૬ ફૂટ જેટલું ગાબડું પડી જતાં આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે એક ખેડૂત રાત્રે જાગી જતા નજીકમાં આવેલ ગેટ બંધ કરી દીધો હતો જેના કારણે વધારે નુકસાન થયું ન હતું. વળી ખેતરમાં જઈ રહેલા પાણીને રોકવા માટે રાતોરાત ખેડૂતો એ પતરાની આડશ મૂકી હતી. આ કેનાલ નર્મદા માઈનોર વાસણા (દાણા) દાપટ થઈને શાહપુર, બાજકપુરા થઈને સુરજપુરા કેનાલ નીકળે છે. એક મહિના અગાઉ પણ આજ જગ્યા પર કેનાલમાં ગાબડું પડ્યું હતું. ત્યારે કેનાલ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવી કાચુ માટી કામ કરી જતા રહ્યા હતા. જેના કારણે ગત રાત્રે ફરીવાર કેનાલમાં ગાબડું પડ્યું હતું. ખેડૂતોની ફરિયાદ છે કે રીપેરીંગ માટે ઘણી વખત મૌખિકમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. ત્યારે શનિવારની મોડી રાત્રે આ માયનોરમાં ગાબડું પડ્યું હતું અને કેનાલનું લાખો લીટર પાણી ખેતરોમાં ઘૂસી જતાં પાણીનો વેડફાટ થયો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ