વસોમા દરજીકામ કરતાં વૃધ્ધ ફેસબુકની જાહેરાતમાં જુના ચલણી સિક્કાના બદલામાં ૫.૬૫ લાખની લાલચમાં રૂપિયા ૪૬ હજાર ગુમાવ્યા છે. જુદા જુદા GST, RBI જેવા અલગ અલગ ચાર્જના બહાને ગઠીયાઓએ નાણાં પડાવ્યા છે. આ બનાવ મામલે વસો પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ પાસે વસોગામે રહેતા ૬૬ વર્ષિય કનૈયાલાલ લવજીભાઈ વઢવાણા પોતે દરજીકામ કરે છે. ગત ૧૧ મી માર્ચના તેઓ પોતાની દુકાને હાજર હતા. ત્યારે તેમણે ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં જણાવ્યું હતું કે, તમારી પાસે ભારતીય ચલણના જુના સિક્કા હોય તો તેના બદલામાં મોટી રકમ મળી શકે છે. આ બાદ ક્લિક કરતાં નંબર જોવા મળ્યો હતો. જેમાં સંપર્ક કર્યો હતો. જોકે સૌપ્રથમ તો આ કનૈયાલાલે ખરાઈ કરવા આ નંબર પર મિસકોલ કર્યો હતો. ત્યારબાદ તુરંત સામેવાળા વ્યક્તિએ ફોન કર્યો અને પોતાનું નામ પંકજ જણાવ્યું હતું. કનૈયાલાલ સાથે વાત કરી કે તમારી પાસે ભારતીય ચલણના જુના સિક્કા હોય તો મને વોટ્સએપ કરો. આ પછી કનૈયાલાલે પોતાની પાસે હાજર ૬ જુના સિક્કાનો ફોટો પાડી આ નંબર પર વોટ્સઅપ કરતા સામે વાળી વ્યક્તિએ મેસેજ દ્વારા જણાવ્યું કે આ સિક્કાના બદલામાં રૂપિયા ૫ લાખ ૬૫ હજાર જેટલી રકમ મળશે. એક બાજુ કનૈયાલાલને લાખોની લાલચ જાગી હતી. તો બીજી બાજુ ગઠીયાઓએ આ લાલચનો લાભ લઇને કનૈયાલાલ સાથે જુદી જુદી રીતે GST, RBI જેવા અલગ અલગ ચાર્જના બહાના હેઠળ ફોન પે મારફતે કુલ રૂપિયા ૪૬ હજાર ૮૦ રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે છેલ્લી રકમ રૂપિયા ૩૧ હજાર ૫૦૦ ગઠીયાઓએ માગતા કનૈયાલાલે કહ્યું આટલી મોટી રકમ મારી પાસે નથી જેથી ગઠિયાએ કહ્યું કે તમે હાલ ગુગલ પે મારફતે રૂપિયા ૫ હજાર ભરી દો આ બાદ આવતીકાલે વધુ રકમ આપી દેજો તેમ કહ્યું હતું. અને ત્યારબાદ ફોન બંધ આવતાં કનૈયાલાલને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આથી આ મામલે તેઓએ વસો પોલીસમાં બે અજાણ્યા મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ