વસો તાલુકાના પીજ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબાના) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે પ.પૂ.ધ.ધુ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, આપણે સત્સંગમાં આવીએ છીએ તો સ્વભાવ સુધારવો જોઈએ. બહારની ભવ્યતા નહીં પરંતુ અંદરની આધ્યાત્મીકતા તેનું મહત્ત્વ છે. આપણે વડતાલને સદા સમર્પિત રહેવું જોઈએ. વડતાલ મારૂ ને હું વડતાલનો એવો ભાવ દરેક સત્સંગીએ રાખવો જોઈએ.
વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંત સ્વામીએ વડતાલ મંદિરને ૨૦૦ વર્ષ પૂર્ણ થશે તે ઉત્સવ નિમિત્તે અને વડતાલમાં નવનિર્મિત આકાર પામનાર અદ્યતન મ્યુઝીયમ નિમિત્તે દરરોજ સંપ્રદાયમાં ૧ લાખ વંદુના પાઠ થશે. આ અંતર્ગત પીજ સત્સંગ સમાજ દ્વારા એક લાખ અગીયાર હજાર વંદુના પાઠ થશે.
જ્યારે સત્સંગ મહાસભાના પ્રમુખ અને અખિલ ગુજરાત સંત સમિતિના અધ્યક્ષ શા.નૌતમ સ્વામીએ પીજ મંદિરના નંદસંતોનો ઈતિહાસ વર્ણવ્યો હતો. પીજના સદ્ગુરૂ સંતો તપસ્વી, ધ્યાની, જ્ઞાની અને નિર્માની હતા. તદ્ઉપરાંત સવારે દેવોને અભિષેક તથા અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. પાટોત્સવ અંતર્ગત ૧૧ બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર અપાયા હતા. શ્રીહરિને બ્રાહ્મણો ખૂબ વ્હાલા હતા. તેઓ વારે-વારે ભુદેવોને ખૂબ દક્ષિણા આપી તૃપ્ત કરતા હતા. મહારાજના સિધ્ધાંત પ્રમાણે બ્રાહ્મણ બટુકોને દક્ષિણા અર્પણ કરી રાજી કર્યા હતા. આ પ્રસંગે યજમાન પરિવારોનું મહારાજ તથા સંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમ કોઠારી શા.વિશ્વવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ