નડિયાદ તાલુકાના અરેરાના ઈસમને ચેક રિટર્ન કેસમાં નડિયાદ કોર્ટે દોઢ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 8 લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે.
નડિયાદમાં સિવિલ રોડ પર રહેતા વિપુલભાઈ વર્મા વેપારી છે તેમની મિત્રતા નડિયાદ તાલુકાના અરેરામાં રહેતા રૂપાભાઈ જુગાભાઈ સોઢા સાથે થઈ ગઈ હતી. જેથી બંને વચ્ચે સંબંધ મજબૂત બન્યા હતા. આ રૂપાભાઈને પોતાની જમીન ગીરો આપવાની હોય તેમણે વિપુલભાઈને જણાવ્યું હતુ. જેથી વિપુલભાઈએ આ જમીન ગિરો લેવા માટે તૈયારી બતાવતા રૂપાભાઈએ રૂપિયા 4 લાખ લઈ વિપુલભાઈને ગીરો કરાર કરી આપ્યો હતો.
જોકે બાદમાં રૂપાભાઈને પરિવારમાં લગ્ન પ્રસંગ હોય બીજા ચાર લાખ પણ લીધા હતા આમ કુલ આઠ લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા લીધા બાદ પણ જમીનનો કબજો આપ્યો ન હતો જેથી વિપુલભાઈએ આપેલા રૂપિયા પરત માગતા રૂપાભાઈએ ચેક લખી આપ્યો હતો આ ચેક વિપુલભાઈ વર્માએ બેંકમાં ભરતા ઓછા બેલેન્સના કારણે રૂપિયા 8 લાખનો ચેક પરત ફર્યો હતો, જેથી વિપુલભાઈએ પોતાના વકીલ મારફતે નોટિસ ફટકારી હતી. પરંતુ નોટિસનો કોઈ સંતોષકારક જવાબ ના મળતા વિપુલભાઈ વર્માએ નડિયાદ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબ રૂપાભાઈ સોઢા સામે કેસ દાખલ કર્યો હતો આ કેસ ચાલતા વિપુલભાઈના વકીલ ટી. એન. મીરજાએ કરેલી દલીલો તેમજ પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી રૂપાભાઈ જુગાભાઈ સોઢાને દોઢ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 8 લાખ જે વળતર તરીકે ફરિયાદી વિપુલભાઈ વર્માને ચૂકવવા હુકમ કર્યો છે.