નડિયાદનાં ઠાસરા તાલુકાની દિવ્યાંગ દીકરી મિત્તલે માત્ર ૧૦ વર્ષની ઉંમરમાં નૃત્ય ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. મિત્તલના જીવનમાં અનેક મુશ્કેલીઓની શરૂઆત તેના જન્મતા વેત શરૂ થઇ ગઇ હતી. મિત્તલને જન્મથી જ મોઢામાં તાળવું નથી અને તે માનસિક રીતે અશક્ત છે. એમાં પણ નાની ઉંમરમાં તેના પિતાનું અવસાન થઇ ગયું હતું. માતા એ બીજા લગ્ન કરી લીધા હતા. આવા દોઝખ વચ્ચે કઠણ કાળજાના માનવી પણ પીગળી જાય અને હાર માની લે. પરંતુ મિત્તલ અનોખી માટીની બનેલી છે. હાર માનવું તેના સ્વભાવમાં નથી જીવનમાં જે પણ મળ્યું છે તેને સ્વીકારીને તેણે એના મામા રાજુભાઈ સાથે ઠાસરામાં મુકામ કર્યો. વ્યવસાયે મજૂરી કામ કરતાં તેના મામા મિત્તલની બધી ઈચ્છાઓ પૂરી કરવા પૂરતો પ્રયત્ન કરતા હતાં. નબળી આર્થિક પરિસ્થિતિમાં મિત્તલના તાળવાની સર્જરી કરવામાં આવી. પણ તે પણ સફળ ન રહી. અને પડતા પર પાટુ પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. માનસિક રીતે દિવ્યાંગ હોવાને કારણે તે પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસી હતી. ત્યારબાદ ૨૦૦૭માં બી.આર.સી ભવન ઠાસરા ખાતે આઈ.ઈ.ડી રિસોર્સ સેન્ટરમાં તે જોડાઈ અને ત્યાં મિત્તલની મુલાકાત મીનાક્ષીબેન જોડે થઇ. મીનાક્ષીબેને મિત્તલમાં નૃત્ય પ્રત્યેની જીજીવિષા જોઇ અને પછી શરૂ થઇ તેની સફળતાની સીડીની શરૂઆત.
મીનાક્ષીબેને મિત્તલ નૃત્ય ક્ષેત્રે આગળ વધે એ માટે ખૂબ મહેનત કરી. મીનાક્ષીબેને મિત્તલનો નૃત્ય વીડિયો રંગસાગર પર્ફોમિંગ આર્ટસ, અમદાવાદને મોકલ્યો હતો. વિડીયોમાં તેનું નૃત્ય જોઇને તેની પસંદગી થાઈલેન્ડ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં દિવ્યાંગ શ્રેણીમાં થઇ. એકવાર તેની પસંદગી તો થઇ ગઇ. પરંતુ ફળિયાથી બહાર ન ગયેલી દીકરી દરિયાપાર કેવી રીતે જાય ? અને વળી વિદેશ જવા માટે પાસપોર્ટની જરૂર પડે, મિત્તલનો પરિવાર એટલો સક્ષમ નથી કે, તેના માટે પાસપોર્ટની વ્યવસ્થા કરી શકે. થાઈલેન્ડ જવું તો કેવી રીતે ? મીનાક્ષીબેને આ અંગે ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારને વાત કરી તેમણે આ અંગે પાસપોર્ટ અધિકારીને પત્ર લખ્યો. ત્વરિત પાસપોર્ટ માટે પાસપોર્ટ અધિકારીએ કલેક્ટરનો પત્ર લાવવાં જણાવ્યું આથી તેઓ કલેક્ટર કચેરી ખાતે ગયાં.
ખેડા જિલ્લાના કલેક્ટર કે.એલ.બચાણીએ મિત્તલની મનોદિવ્યાંગતા અને મૂકબધિરતા વિશે જાણ્યું, ભારત ટેલેન્ટથી ભરપૂર દેશ છે, એમાં કોઈપણ વ્યક્તિ કાગળી કાર્યવાહીને લીધે રહી ન જાય તે માટેની સંવેદનશીલતા દાખવી ત્વરિત પાસપોર્ટ આપવાનો ભલામણ પત્ર લખ્યો. તેને આધારે સંવેદનશીલ પાસપોર્ટ અધિકારી રેયાન મિશ્રાએ માત્ર એક જ દિવસમાં પાસપોર્ટ આપી દીધો. હવે મિત્તલ સરળતાથી તેનો થાઇલેન્ડનો પ્રવાસ કરશે. ઉલ્લેખનીય છે કે, મિત્તલે આ અગાઉ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ-૨૦૨૨ માં ફાસ્ટવોક અને ફાસ્ટ રનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. મિત્તલ થાઈલેન્ડમાં આગામી તા. ૨૫ મી જાન્યુઆરી થી ૨૯ મી જાન્યુઆરી સુધી થાઈલેન્ડમાં ગણેશવંદના નૃત્ય, ભારતીય નૃત્ય, દેશભક્તિનો ડાંસ, ગરબા નૃત્ય થકી ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી ભારતીય સંસ્કૃતિ અને નૃત્યની પરંપરાથી સમગ્ર વિશ્વને અવગત કરાવી ભારતનું નામ રોશન કરશે. ‘પંખો સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ’ ની ઉક્તિને સાર્થક કરતાં ઠાસરાની ૧૦ વર્ષની મનોવિક્લાંગ અને મૂકબધિર મિત્તલની ઉડાન સેવાભાવી જનનાયક અને સંવેદનશીલ તંત્રના સંવેદનશીલ કર્મીઓને કારણે આખરે તેના સાચા મૂકામ સુધી પહોંચી.
નરેશ ગનવાણી : નડિયાદ