નડિયાદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકની ટીમે નડિયાદ તાલુકાના સલુણથી અમદાવાદના નારોલ લઈ જવાતા દેશી દારૂના જથ્થાને પકડી પાડ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ તાલુકાના સલુણ ગામનો બુટલેગર જીતુભાઇ વિઠ્ઠલભાઇ તળપદાએ સલુણ ગામના જુદા-જુદા પ્રોહી બુટલેગરો પાસેથી દેશી દારૂનો જથ્થો એકત્રિત કરી મહેન્દ્રભાઇ ગોરધનભાઇ તળપદા (રહે. સલુણ, ચોપટી વિસ્તાર)ની મદદથી પ્લાસ્ટીકના કોથળાઓમાં કુલ 900 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 18 હજારનો આતેશામઅલી ઉર્ફે બાબુલ ઉમરાવઅલી સૈયદ (રહે. અમદાવાદ)ને સપ્લાય કરવા માટે ઇકોસ્પોર્ટસ ગાડીમાં ભરી રવાના કર્યો હતો.
આ ગાડી નડિયાદ નજીક મરીડા પાસે એક્સપ્રેસ હાઈવે પર પોલીસની નજર જતા પોલીસે તેને પકડી પાડી હતી અને તલાસી લેતા તેમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ચાલક મહમદબિલાલ અબ્દુલરહેમાન ભિસ્તી રહે.દાણીલીમડા, અમદાવાદને પકડી પાડયો છે. પોલીસે વાહન, મોબાઇલ તથા દેશીદારૂના જથ્થા સહીત કુલ કિંમત રૂપિયા 5 લાખ 18 હજાર 500 ના મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ગાડીના ચાલક મહમદબિલાલ અબ્દુલરહેમાન ભિસ્તી રહે. અમદાવાદ જીતુભાઇ વિઠ્ઠલભાઇ તળપદા રહે. સલુણ, ચોપટી વિસ્તાર આતેશામઅલી ઉર્ફે બાબુલ ઉમરાવઅલી સૈયદ રહે. અમદાવાદ,જુહાપુરા, મહેન્દ્રભાઇ ગોરધનભાઇ તળપદા રહે. સલુણ, ચોપટી વિસ્તાર સામે ગુનો દાખલ કર્યો છે.