કપડવંજના તંથડી ગામના બનાવે વધુ એક ફરિયાદ નોંધાવી છે. જેમાં પુત્રવધુની ડીલેવરી માટે રૂપિયા ૩૫ હજાર લીધા તેના વ્યાજ સહિત ૧ લાખ ૩૫ હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરો ધરાયા નહી અને સ્ટેમ્પ પેપર પર જમીન ગીરે લખાઈ લીધી હતી.
કપડવંજ તાલુકાના તંથડી ગામે રહેતા બુનીબેન પોપટભાઈ પરમારે પોતાની પુત્રવધુની ડીલેવરીના ખર્ચ માટે આંબલીયારા ગામમાં રહેતા પંજાબસિહ બળવંતસિંહ સેનવા અને તેમની પત્ની મુન્નીબેન પાસેથી વ્યાજે રૂપિયા ૩૫ હજાર દર મહિનાના ૧૦ ટકા લેખે વ્યાજના લીધા હતા. જે પૈકી ટુકડે ટુકડે વ્યાજ સહિત રૂપિયા ૧ લાખ ૩૫ હજાર આ વ્યાજખોરોને આપી દીધા હતા. ત્યારબાદ પણ આ વ્યાજખોરો વ્યાજ લેવા માટે અને વધુ વ્યાજની લાલચમાં બુનીબેન પરમારના ઘરે જઇ ધાક ધમકી આપતા હતા. આથી વ્યાજખોરોના ત્રાસના પગલે બુનીબેન અને તેમના પતિએ ઘર છોડી પ્રાંતિજ મુકામે રહેવા ગયા હતા. આમ છતાં પણ આ વ્યાજખોરો છેક પ્રાંતિજ સુધી પહોંચી વધુ હજી રૂપિયા બે લાખ ચાલીસ હજાર બાકી આપવાના નીકળે છે તેમ કહી નાણા આપવા દબાણ કરતા હતા. આ વ્યાજખોરોએ બાકી નીકળતાં નાણાં મેળવવા માટે બુનીબેનના પતિ પોપટભાઈ પાસેથી સ્ટેમ્પ ઉપર સહી કરાવી ભાટેરા ગામની જમીન ગીરે લખાવી લીધી હતી અને આ વ્યાજખોરો અવારનવાર હપ્તા ઉઘરાવવા આવતા હતા અને વ્યાજ ન આપો તો એટ્રોસિટીની ફરિયાદ કરવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. આથી આ સંદર્ભે બુનીબેન પોપટભાઈ પરમારે કપડવંજાન પોલીસમાં વ્યાજખોર પંજાબસિહ બળવંતસિંહ સેનવા, તેના પત્ની મુન્નીબેન સેનવા અને દીકરી જયશ્રીબેન સેનવા તમામ રહે.આબલીયારા, કપડવંજ પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અગાઉ પણ આ વ્યાજખોરો સામે કપડવંજ ટાઉનમાં નાણાં ધીરધાર અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોધાયો છે.