આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીના સહ-અધ્યક્ષસ્થાને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવેલી કામગીરી બાબતે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં બાળકોના કલ્યાણ ક્ષેત્રે વધુ સારી રીતે કાર્ય કરવાના ઉપાયો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થા ખાતે રહેતા બાળકોની સંખ્યા, તાલુકા અને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની રચના, કાળજી અને રક્ષણની જરૂરીયાત વાળા બાળકોના કેસ અંગેની વિગતો, જન જાગૃતિ કાર્યક્રમો, જુવેનાઈલ બોર્ડના કેસો અંગેની વિગતો, પોક્સોના કેસોની વિગતો, બાળકોની પુનઃસ્થાપન અંગેની વિગતો વગેરે બાબતે વિસ્તૃત માહિતી પી.પી.ટી દ્વારા આપવામાં હતી. અગાઉ સપ્ટેમ્બર-૨૦૨૨ માં પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન પોર્ટલ અંતર્ગત ખેડા જિલ્લામાં અનાથ થયેલ બાળકો પૈકી કોરોનાના કારણે જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય તેવા કુલ ૯ બાળકો તથા તેમાના વાલી સાથે જિલ્લા કલેક્ટર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કલેક્ટર એ આ બાળકોના અભ્યાસમાં વિશેષ રુચી દાખવી તેઓના શાળા તથા કોલેજના આચાર્યો તથા શિક્ષકો સાથે વીડિયો કોન્ફરેન્સ દ્વારા સંવાદ સાધ્યો હતો. આ બાળકોની નિયમિત હાજરી, અભ્યાસમાં દેખાવ તથા ઈતર પ્રવૃત્તિઓમાં રસ અંગેની માહિતી મેળવી આ બાળકોને સરળ અભ્યાસ મળે તેવું યોગ્ય વાતાવરણ પુરું પાડવા કલેક્ટરએ વિશેષ આગ્રહ કર્યો હતો.
જિલ્લામાં બાળકોને સરકારની યોજના અન્વયે મળવાપાત્ર લાભથી બાળકો વંચિત ન રહે તે માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ યોજાતા વિવિધ કાર્યક્રમો જેવા કે સેવા સેતુ, રાત્રી સભા, ગ્રામ સભા વગેરે કાર્યક્રમોમાં સરકારની બાળ સુરક્ષાલક્ષી વિવિધ યોજનાઓનો વધુ પ્રચાર પ્રસાર કરવા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા કક્ષાના સીનિયર સરકારી વકીલ, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ,પોલીસ વિભાગ, ચાઇલ્ડ લાઇન તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીશ્રીઓ સહિતના અધિકારીઓ તથા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ