ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુખ્ય ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશથી ખેડા-નડિયાદ જીલ્લા પોલીસ તથા વિંગ્સ ટુ ફ્લાય એનજીઓ દ્વારા મહેમદાવાદ વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી બનાવતા સ્વયંસિધ્ધા પ્રોજેક્ટનો લોકાર્પણ કાર્યક્રમ સરદારનગર, મહેમદાવાદ ખાતે યોજાયો.
આ પ્રસંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સમાજમાં પોલીસ વિભાગની બે અગત્યની ભૂમિકાઓ વિશે વાત કરતા જણાવ્યું કે ગુનેગારોમાં પોલીસનો ડર જરૂરી છે પણ સાથે સાથે સામાન્ય માણસો માટે એક સેવક તરીકે સામાજિક સેવા તથા સુરક્ષાનું ભગીરથ કાર્ય પોલીસ કરે છે. ફક્ત ગુનેગારોને કડકમાં કડક સજાઓ અપાવવાથી સમાજમાં ગુનાહિત કૃત્યો દૂર થતા નથી પરંતુ ગુનાઓના મૂળમાં રહેલા કારણોના કાયમી નિકાલ માટે સામાજિક સેવાકિય પ્રવૃત્તિઓ ઉપયોગી બને છે.ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વયંસિધ્ધા પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૫ બહેનોના જીવનને નવી દિશા મળતા આ બહેનો આત્મનિર્ભર બનશે. સાથે જ આ બહેનોના બાળકોને શિક્ષણ માટે કોચિંગની વ્યવસ્થાથી તેમના સમગ્ર પર્વતના જીવન બદલાવની પ્રક્રિયાનો શુભારંભ થશે. ગૃહ મંત્રીએ આગામી દિવસોમાં તાલુકા સ્તરે પોલીસ દ્વારા આ જ પ્રકારની સામાજિક કામગીરી થાય એવી આશા વ્યક્ત કરી હતી.
મહિલાઓ માટે સ્વયંસિધ્ધા પ્રોજેક્ટનું મહત્વ સમજાવતા ગૃહ મંત્રીએ જણાવ્યું કે સ્વયંસિધ્ધા પોતાની જાતને સાબિત કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. મજબૂરીમાં કરવામાં આવતી ગુનાહિત પ્રવૃત્તિઓને જન કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા નેક દિશામાં લઈ જવાથી સામાજિક સકારાત્મકતા અને સામાજિક સૌહાર્દને વેગ મળે છે. પોલીસ વિભાગ અને વિંગ્સ ટુ ફલાય એનજીઓના સંયુક્ત ઉપક્રમે આયોજીત સ્વયંસિધ્ધા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓનો હર્દયપૂર્વક આભાર ગૃહ મંત્રીએ માન્યો હતો. મહેમદાવાદ ધારાસભ્ય અર્જૂનસિહં ચૌહાણે મહેમદાવાદ શહેર પ્રતિનિધિ તરીકે રાજ્ય ગૃહ મંત્રીને આવકારતા શહેરની મહિલાઓ માટેના સ્ત્રી સશકિતકરણના આ ઉમદા કાર્યક્રમ બદલ સમગ્ર જિલ્લા પોલીસ વિભાગ, વિન્ગસ ટુ ફ્લાય એનજીઓ અને આ પ્રોજેક્ટમાં મદદ કરનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ સ્વયંસિધ્ધા પ્રોજેક્ટની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ‘ચાલો પાછા ફરીએ સફળ જીવનની દિશા નક્કી કરીએ’ મંત્રને સિદ્ધ કરતા સ્વયંસિધ્ધા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાથમિક તબક્કે ૬૦ મહિલાઓને સીવણ ક્લાસની તાલીમ, તાલીમ બાદ જોબ દ્વારા સ્વાવલંબી બનાવવી, ૪૫ મહિલાઓને બ્યુટી પાર્લરની તાલીમનો લાભ, પ્રોજેક્ટની દરેક મહિલાઓને તાલીમ દરમિયાન સ્ટાઈપેન્ડની વ્યવસ્થા અને તાલીમી મહિલાઓના બાળકો માટે શાળા શિક્ષણની વ્યવસ્થા દ્વારા પ્રાથમિક તબક્કે કુલ ૧૦૫ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો લક્ષ્યાંક છે.
આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્વયંસિધ્ધા પ્રોજેક્ટના દાતાઓનું, સ્પોર્ટસ ક્ષેત્રે મેડલ સિદ્ધિ માટે જીલ્લાની ૨ મહિલા પોલીસ કર્મચારીઓ અને માતર પોલીસ સ્ટેશન દ્વારા ત્રાજ ગામ ખાતે હત્યાના બનાવમાં ફક્ત ૮ દિવસમાં ઝડપી ચાર્જશીટ કરી આરોપીને જનમટીપની સજા કરાવવા બદલ સમગ્ર ખેડા પોલીસ ટીમને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચાલુ ફરજે અકસ્માતથી અવસાન પામેલ પોલીસકર્મીના પત્નીને મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૭૦ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. આ સિવાય ‘વિંગ્સ ટુ ફલાય’ એનજીઓના એમડી અર્પીતા વ્યાસે તેઓની ટીમ દ્વારા બનાવેલી સ્મૃતિ ભેટ મંત્રી હર્ષ સંઘવીને આપી હતી. તેમજ મંચસ્થ મહાનુભાવોઓને સંસ્થાની બહેનોએ મોમેન્ટો અર્પણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય આશિષ ભાટીયા, IPS; પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ, વી.ચંદ્રસેકર; ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, કપડવંજ ધારાસભ્ય રાજેશકુમાર ઝાલા, માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહેમદાવાદ મ્યુનિસિપલ અને તાલુકા પંચાયત પ્રમુખઓ, ઓએનજીસીના એચ. આર પ્રાંજલભાઈ, ઓએનજીસી સિક્યુરિટી હેડ આર.જી.શર્મા, કેએચએસ કંપનીના એમડી યતેન્દ્ર શર્મા, ઇન્ફિનિટી ઇન્ફ્રા કંપનીના પ્રતિનિધિ વિનોદભાઈ પટેલ, વિંગ્સ ટુ ફલાય એનજીઓના એમડી અર્પીતા વ્યાસ સહિત મોટી સંખ્યામાં શહેર આગેવાનો, તાલીમાર્થી બહેનો, પોલીસ કર્મીઓ અને શહેરના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી