નડિયાદના મહંમદફારુક ઇબ્રાહીમભાઇ મેમણ શહેરના સંતરામ રોડ ઉપર આવેલ નિલિયમ કોમ્પ્લેક્સમાં કપડની દુકાન આવેલ છે. તેમને છેલ્લા ઘણા દિવસોથી મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી અવારનવાર ફોન આવતા હતા. જે ફોન કોલને બંધ કરાવવા માટે તેઓએ મોબાઈલ ફોનમાં ગુગલમાં કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. નંબર મળી જતાં તેઓએ આ નંબર પર ફોન કોલ કર્યો હતો. જેમાં સામેથી એક હિન્દી ભાષામાં વ્યક્તિએ વાત કરી હતી. વેપારીએ આ ફોન કોલને બંધ કરાવવા કહેતા સામે વાળી વ્યક્તિએ આ ફોનકોલ બંધ થઈ જશે, આ સંદર્ભે તમારા ખાતામાંથી રૂપિયા ૫ કપાઈ જશે. જેથી તમારે એક એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લિકેશનની ગઠીયાએ વોટ્સએપ મારફતે મોકલી આપી હતી. આ એપ્લિકેશન ફાઈલ મોબાઈલમાં ડાઉનલોડ કરાવી તે એપ્લિકેશનમાં આવતો નંબર કોડ માગતા વેપારીએ આ કોડ એ વ્યક્તિને આપી દીધો હતો. ત્યા જ ફોન કટ થઈ ગયો હતો અને પાંચ રૂપિયા તેમના ખાતામાંથી કપાઈ જવાનો વેપારીને મેસેજ મળ્યો હતો. જે બાદ ગત ૧૨ મી ડિસેમ્બરના રોજ સાંજના સમયે ૭૦ હજાર રૂપિયા કપાઈ ગયાનો મેસેજ મળ્યો અને તરત જ ૨૯ હજાર ૯૯૯ કપાઈ ગયાનો મેસેજ બેંક તરફથી વેપારી મળ્યો હતો. જે બાબતે તપાસ કરતા રૂપિયા ૭૦ હજાર કેનેરા બેન્કના એકાઉન્ટમાં આ નાણા ટ્રાન્સફર થયા હોવાનું તેમજ અન્ય કોટેક મહેન્દ્રા બેંકના ખાતામાં ૨૯ હજાર ૯૯૯ ટ્રાન્સફર થયા હોવાનું જાણ થઈ હતી. આમ કુલ મળી ગઠીયાએ કુલ રૂપિયા ૯૯ હજાર ૯૯૯ની ઠગાઈ કરી હતી. આથી વેપારી મહંમદફારુક પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ખબર પડતા તેઓએ આ સંદર્ભે આજે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી