Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની જે એન્ડ જે સાયન્સ કોલેજના બોટનિકલ ગાર્ડનમાં ઉગેલું ભોજપત્રી વૃક્ષ ખેડા ફોરેસ્ટ વિભાગ દ્વારા આરક્ષિત જાહેર કરાયું.

Share

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ ગાર્ડનમાં ઉગેલું ભોજપત્રી વૃક્ષ એક અજાયબી સમાન છે. મેલાલ્યુકા લ્યુકોડેન્ડ્રનનું વૈજ્ઞાનિક નામ ધરાવતા આ વૃક્ષને કાયાપુટી (કાજુપુટી) અને પ્રાદેશિક ભાષામાં ભોજપત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભોજપત્રી વૃક્ષનો રોપો ૧૯૫૨ માં જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ વિભાગના તત્કાલીન અધ્યક્ષ પી. એસ. ટુર દ્વારા વાવવામાં આવ્યો હતો ગુજરાતમાં આ એકમાત્ર ભોજપત્રી વૃક્ષ છે જેની અત્યારે ઉંમર લગભગ ૬૫ વર્ષ છે અને તે કુલ સરેરાશ ૧૦૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે.

આ વૃક્ષની છાલ સતત નીકળતી રહે છે જેમાં અસંખ્ય પડ આવેલા છે. આ છાલનો ઉપયોગ પહેલાના જમાનામાં જ્યારે કાગળની શોધ થઈ ન હતી ત્યારે ગ્રંથો લખવા માટે થતો હતો. આ છાલની વિશેષતા એ છે કે તેમાં ઉધઈ લાગતી નથી તેમજ છાલ પાણીમાં કોહવાતી નથી. આ કારણે ભોજપત્રીની છાલ ઉપર લખેલા ગ્રંથો વર્ષો સુધી જળવાઈ રહે છે. નડિયાદનું કાયાપુટી ભોજપત્રી વૃક્ષ ખેડા ફોરેસ્ટ વિભાગ દ્વારા ૨૦૦૪ માં આરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા આ ભોજપત્રી વૃક્ષને હેરિટેજ વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે.

જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સનું બોટનિકલ ગાર્ડન અનેક દુલર્ભ, લુપ્તપ્રાય અને આયુર્વેદિક મહત્વ ધરાવતા વૃક્ષો અને વનસ્પતિઓનું આશ્રયસ્થાન છે. આ ગાર્ડનમાં તોપગોળો, રુખડો, કપિલો, રગતરોહિડો, માસ રોહિણી, રોણ, અશોક, હનુમાન ફળ, રામ ફળ, કણક, ચંપાની તમામ પ્રકારની જાતો, ડીલેનીયા, રામધન, મનશીલ, વારસ, ખડશિંગી, મેઢશિંગી, ચારોળી, કુંભી, રક્તચંદન, ગુગળ, ખેર, અંબાડો જેવી વનસ્પતિઓ જોવા મળે છે.

Advertisement

આ વૃક્ષોનું આયુર્વેદિક ઉપચારમાં મહત્વ સમજાવતા જે એન્ડ જે કોલેજના આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે અહીંની ઘણી વનસ્પતિઓ વિવિધ બિમારીઓના ઉપચાર માટે ઉપયોગી છે. જેમ કે, ડીલેનીયા (શપ્તપર્ણી) નામના છોડના પાનના ઉપયોગથી કોઈ પણ ઘા કે ઝખમમાં જલ્દીથી રુઝ આવે છે. અશોક નામના વૃક્ષની છાલનો ઉકાળો સ્ત્રી રોગ માટે ફાયદાકારક છે. ઈન્દ્રજવના વૃક્ષની છાલ જેને કડાછાલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ એન્ટીબાયોટીક તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત અર્જુન-છાલ હ્રદયરોગ માટે, કુંભી વૃક્ષની છાલ શરીરની વધારાની ચરબી ઓગાળવા માટે અને રગત રોહિડાની છાલ શરીરની ગાંઠો ઓગાળવામાં મદદરુપ થઈ શકે છે.

લગભગ ૬ એકરના વિસ્તારમાં ફેલાયેલું આ બોટનિકલ ગાર્ડન ૪૦૦ થી વધુ જાતની નષ્ટપ્રાય વનસ્પતિઓ ધરાવે છે. આ ગાર્ડન જીવસૃષ્ટીથી પણ ભરપૂર છે. આ શાંત અને અતિ પકૃતિમય વાતાવરણમાં ૧૫૦ થી વધુ મોરની અવરજવર છે અને દેશ-વિદેશના અન્ય પક્ષીઓ પણ અહીં વિશ્રામ કરવા આવે છે. આ ઉપરાંત ૪ થી વધુ જાતના સાપ અને અન્ય સરીસૃપો અહીના ભયમુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી વસવાટ કરે છે.


Share

Related posts

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારના અચ્છે દિન😍આંદોલનો બાદ તંત્ર દ્વારા રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી..

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર યુનિટી ગ્રીન રૂમ્સ હોટલમા પાંચ જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા.

ProudOfGujarat

સુરત શહેર જિલ્લાના તમામ જનસેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૦૨ જૂનથી રાબેતા મુજબ શરૂ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!