શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૧મો પ્રાગટ્ય દિન ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે સવારે ૭ થી સાંજે ૭-૧૨ કલાકની અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના સભા મંડપમાં સ્વામિનારાયણ મહામંત્રનો અભિષેક સૌ સંતો હરિભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો.
વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે અક્ષરધામના અધિપતિ શ્રી હરિએ સંવત ૧૮૫૮ માં જુનાગઢ જિલ્લાના ફરેણી ગામમાં સ્વયં પોતે સૌ કોઈ જીવાત્માના કલ્યાણ અર્થે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો હતો. વડતાલ ધામ અખંડ ધૂન માટેનું મહત્વનું કેન્દ્ર છે. અહીં છેલ્લા ૧૬ વર્ષથી અખંડ ધૂન ચાલે છે. જ્યારે ઓનલાઇન મહામંત્રનો આરંભને ૭ વર્ષ ને ૩૦ દિવસ થયા છે. સોમવારે સુફલામ એકાદશીના રોજ સવારે ઠાકોરથી તથા મંત્રપોથીનો અભિષેક સંતો દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રારંભમાં પૂજન વિધિ યોજાઈ હતી. મહામંત્રની આરતીમાં પૂજ્ય લાલજી મહારાજ, બાલકૃષ્ણ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, હરી ઓમ સ્વામી તથા ધર્મસ્વરૂપ સ્વામી સારંગપુરવાળા સહિત અગ્રણી સંતો તથા ટ્રસ્ટી સભ્ય મહેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા.
આ પ્રસંગે પૂ.લાલજી સૌરભ પ્રસાદજી મહારાજ, બાલકૃષ્ણ સ્વામી ચેરમેન દેવસ્વામી વગેરેએ મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો. સભા સંચાલન પૂ. શ્યામવલ્લભ સ્વામી એ સંભળાવ્યું હતું. આ પ્રસંગે પાંચ હજારથી વધુ સત્સંગી ભાઈ બહેનોએ અભિષેક તથા મંત્ર લેખનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ