સમગ્ર દેશમાં જયારે કોઇપણ પ્રકારની મુશ્કેલી – આફત સર્જાઇ છે ત્યારે આ ગુજરાતની ધરતીએ નેતૃત્વ અને સક્ષમતા પૂરવાર કરીને દેશને નવો રાહ ચીધ્યો છે. વિપરીત પરિસ્થિતીઓ પણ દેશને સામર્થ્ય આપ્યુ છે. ગોકુળ અને યમુનામા રાસ રમનાર કનૈયાને ગુજરાતે દ્રારકાધિશ બનાવ્યા છે તે પરમ પવિત્ર પાવન ભૂમિને વંદન કરુ છુ તેમ જણાવીને યુ.પીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથજીએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કમળના નિશાનને મત આપીને ભાજપને ભારે બહુમત સાથે જીતાડીને યુ.પી.નો દાખલો ગુજરાતમાં બેસાડવા અપીલ કરી હતી.
ચકલાસી ખાતે આજે મહુધા વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડા સહીત ખેડા જીલ્લાના ભાજપાના ઉમેદવારોને જીતાડવા માટે યોજાયેલ મહાસંમેલનમા યોગી આદિત્યનાથજીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, શું કોગ્રેસના સાસનમાં ૩૭૦ ની કલમ કાશ્મીરમાંથી હટાવી શકાઇ હોત? શુ રામ મંદિરનુ નિર્માણ શકય બન્યુ હોત ? ગુજરાત આંતકવાદ અને કરફયુથી મુકત બન્યુ હોત ? તેવા વેધક સવાલો સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતના સાશન કાળ દરમ્યાન પ્રજાને અપાયેલ સુખ શાંતિ અને સમૃધ્ધિની વાતો વર્ણવી હતી સાથે સાથે હાલમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત ઉપર ૨૦૦ વર્ષ સુધી શાસન કરનાર બ્રિટનને પાછળ મુકીને ભારત દેશ વિશ્વની પાંચમી આર્થિક મહાસતા બન્યો છે ત્યારે ગુજરાતની પ્રજાએ આ વિકાસવંતા મહાપુરુષને સમર્થન આપવા માટે ભાજપાના ઉમેદવારોને જીતાડવા જોઇએ તેવી નમ્ર શીખ આપી હતી.
ગુજરાતની ધરતીએ આઝાદીના સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભેટ આપીને દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી બચાવ્યો હતો. જુનાગઢ અને હૈદરાબાદના નવાબોને સરદાર પટેલે એકજ ચપટીમાં શાંત કરી દીધા હતા તે ગુજરાતની ખમીરવંતી ભૂમિ છે ત્યારે ગુજરાતમાં સુખ શાંતિ અને સમૃધ્ધિ સ્થાપિત કરવા માટે ભાજપના તમામ ઉમેદવારોને ભારે બહુમત સાથે જીતાડવા અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ ગોરધનભાઇ ઝડપીયા, વિપુલભાઇ પટેલ, અજય બ્રહમભટ્ટ, નટુભાઇ સોઢા, ભારતસિહ પરમાર, ધીરજસિહ પરમાર, બળવંતભાઇ વાઘેલા, નિલેશભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ