ખેડા- માતર રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થતા ૩ વ્યક્તિઓ દાઝી ગયા હતા. ધડાકો એટલો જબરદસ્ત હતો કે આસપાસના લોકો અવાજથી ગભરાઈને સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ખેડાની જલારામ સોસાયટીમાં રહેતા કાછીયા પટેલ પરિવારનું દંપતી બપોરના સમયે ચ્હા બનાવવા માટે રસોડામાં ગયું હતું. પરંતુ ગેસની બોટલનો પાઇપ લીકેજ હોઈ દીવાસળી સગળાવતા જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આગમાં ઘરના મોભી જનકભાઈ રતિલાલ કાછીયા પટેલ, પત્ની હિરલબેન જનકભાઈ કાછીયા પટેલ અને તેમનો પુત્ર માનવ જનકભાઈ કાછીયા પટેલ ત્રણે જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘરના ગાદલા તેમજ લાકડાના કબાટ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જનકભાઈ તેમના પત્ની હિરલબેનને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ જનકભાઈ ૭૦% થી વધુ દાઝી ગયા છે, અને તેમના પત્ની હિરલબેન પણ ૩૦% દાઝ્યાનું પ્રાથમિક તારણ છે. જ્યારે પુત્ર બંને હાથમાં આગની જ્વાળાઓ લાગી ગઈ હોવાનું ડોક્ટર જણાવ્યું હતું. બ્લાસ્ટ થતાં ખેડા ફાયર ફાઈટર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ