દેશ અને દુનિયાભરમાં યુરોલોજી અને કિડનીના દર્દીના નિદાન – સારવાર માટે જાણીતી નડિયાદની મુળજીભાઈ યુરોલોજી કિડની હોસ્પિટલ (એમ.પી.યુ.એચ.) ૨૫૦ બેડની અત્યાધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ નવી હોસ્પિટલ બનાવવા જઇ રહી છે. અંદાજિત ૧૫૦ કરોડમાં ખર્ચે આ હોસ્પિટલ નડિયાદ નજીક હાઈ-વે ની સાઈટ પર આકાર લેશે.
નડિયાદની કિડની હોસ્પિટલ છેલ્લા ૪૫ વર્ષથી કાર્યરત છે. જે ભારતની સર્વપ્રથમ સિંગલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એમ.પી.યુ.એચ. હોસ્પિટલ દ્વારા દર્દીઓના ઈલાજ ઉપરાંત, જયરામદાસ પટેલ એકેડેમિક સેન્ટરના માધ્યમથી દેશ-વિદેશના તબીબોને તાલીમ આપવામાં આવે છે. તેમ જ અનેક પ્રકારના સંશોધનો ક્ષેત્રે પણ આ હોસ્પિટલ સુપ્રસિધ્ધ છે. આજ સુધીમાં 3500 કરતા પણ વધુ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ આ હોસ્પિટલમાં થઇ ચુક્યા છે. નડિયાદની એમ.પી.યુ.એચ. હોસ્પિટલના ચીફસિનિયર યુરોલોજિસ્ટ ડો.મહેશભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, હાલ કાર્યરત નડિયાદની કિડની હોસ્પિટલ – એમ.પી.યુ.એચ. વર્ષ ૧૯૭૮માં એ સમયના સંસાધનોને અનુરૂપ બનાવવામાં આવી હતી. સમય સાથે નવી અત્યાધુનિક ટેક્નોલોજીને ધ્યાનમાં રાખતા નવી આકાર લઇ રહેલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સેવાઓમાં સુધારો થશે જેમાં હોસ્પિટલના ઇન્ફેકશન ફેલાવવાની સંભાવના પણ નહિવત રહેશે. આ ઉદેશને ધ્યાનમાં રાખી નડિયાદમાં નવી હોસ્પિટલનું બાંધકામ આગામી બે વર્ષમાં પૂરું કરવાનો સંકલ્પ છે. જ્યાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરેક વર્ગના દર્દીઓ સુધી ઉત્તમ સારવાર પહોંચે અને ૨૫૦ બેડની સાથે વધારેમાં વધારે દર્દીઓની સારવાર શક્ય બનશે. નડિયાદની એમ.પી.યુ.એચ. હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત ખાનગી હોસ્પિટલ હોવાથી સરકારના ધારાધોરણ મુજબ કિડનીના કેડેવર ટ્રાન્સપ્લાન્ટ માટે મર્યાદાઓ છે.
આ પ્રસંગે અમેરિકાના યુરોલોજીના નિષ્ણાત અને વિશ્વ પ્રસિદ્ધ ડો. આર્થર સ્મિથ અને ડો. ગ્લેન પ્રેમિંગેર વિઝિટિંગ ફેકલ્ટી તરીકે હાજર રહ્યા હતા, ડો. આર્થર સ્મિથ નડિયાદની એમ.પી.યુ.એચ. હોસ્પિટલ સાથે વર્ષોથી જોડાયેલા છે અને આ હોસ્પિટલની વિશ્વસ્તરીય નિદાન-સારવાર પદ્ધતિથી વાકેક અને પ્રભાવિત છે. તેમણે કહ્યું હતું કે નેફ્રોલોજી અને યુરોલોજી ક્ષેત્રનિદાન સારવાર અને સંશોધન ક્ષેત્રે કાર્યરત આ યુનિટ સંસ્થા છે જે હવે નવી અત્યાધુનિક માળખાગત સુવિધાઓ સાથે એક યુનિક સુપરસ્પેશિયાલીટી હોસ્પિટલ બની રહેશે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની નિદાન-સારવાર સેવાઓ ઉપલબ્ધ બનશે. ડો, ગ્લેન પ્રીમીનજર (નોર્થ કરોલિના, અમેરિકા) એ જણાવ્યું હતું કે “નડિયાદની આ હોસ્પિટલમાં નિદાન-સારવાર અને સંશોધન ક્ષેત્રે હવે વિશ્વસ્તરીય સવલત છે, જેનો લાભ દર્દીઓ સહીત ક્ષેત્રના તબીબી વિદ્યાર્થીઓને પણ મળી રહ્યો છે. નવી હોસ્પિટલમાં પણ એ જ પરપરા જળવાઈ રહેશે
આ પ્રસંગે ડો. આર.બી. સાબનીસ, ડો. મોહન રાજપુરકર, ડો. અજય ગાંગુલી તથા નંદિની મીરાની વગેરેએ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ