આઇસર ચાલકે રિક્ષાને અડફેટે મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા બે મહિલાનાં મોત નિપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિઓને શરીરે ઈજા પહોંચી હતી.
નડિયાદના પીપળાતા ગામમાં રહેતા પાયલબેન પટેલે અરેરાવાળા ખેતરમાં તમાકુના પાક કર્યો હતો જેમાં પીપળાતાના પાંચ મજૂરો લઈ ખેતરમાં ગયા હતા. દિવસ દરમિયાન ખેતરમાં કામ કરી રીક્ષામાં બેસી મધુબેન રાવજીભાઇ ઠાકોર ઉં.48 અને પાર્વતીબેન મનહરભાઇ ઠાકોર ઉં.21, બાલુબેન, કપીલાબેન અને પાયલબેન પીપળાતા જવા નીકળ્યા હતા. રીક્ષા ડભાણ રોડ પરના શુભમ પાર્ટી પ્લોટ નજીકથી પસાર થઇ રહી હતી તે સમયે સામેથી આવતી લાકડા ભરેલ એક આઇસર ચાલકે રોડ પર પસાર જતી રિક્ષાને અડફેટે લેતાં રિક્ષા રોડની સાઈડે પલટી ખાઇ ગઇ હતી. જેથી રિક્ષામાં સવાર મધુબેન અને પાર્વતીબેન રોડ પર પટકાતા તેને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે આઇસરનો ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે આઇસરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ