નડિયાદ સહિત જિલ્લામાં શિવરાત્રી મહોત્સવ આયોજન નિમિત્તે જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તજનો ઉમટી પડ્યા હતા. ભગવાન ભોળાનાથને જળઅભિષેક દૂધ બિલીપત્રનો અભિષેક કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. ગળતેશ્વર શંકરાચાર્ય નગર સહિત વિવિધ સ્થળોએ લોકમેળો પણ ભરાયો હતો. નડિયાદ શહેરના માઈ મંદિરમાં આવેલ શિવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. આ નિમિત્તે કુંડી લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જવાહર નગર વિસ્તારમાં આવેલ જુલેલાલ મંદિર તથા સંતકવર રામ મંદિરમાં શિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભજન-કિર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત શેહેરના બ્રહ્માકુમારી વિદ્યાલયમાં શિવરાત્રી મહોત્સવ નિમિત્તે આ ચિત્ર પ્રદર્શન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. તેમજ મોટા મહાદેવ ખાતે યજ્ઞ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ ફૂલ મંડળી પણ ભરવામાં આવી હતી. આ દર્શનનો લાભ લેવા માટે ભક્તજનો ઉમટી પડ્યા હતા. જિલ્લો શિવમય બની ગયો હતો. આ ઉપરાંત જિલ્લાના શીવાલયોમાં ચાર પ્રહરની પૂજા પણ ઉજવાઇ હતી.
નરેશ ગનવાણી : નડિયાદ