શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કારતક સુદ નોમ (હરિજયંતિ) ના શુભ દિને મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી કૃષ્ણા મહારાજ સહિત આદી દેવોને નૂતન વર્ષ અવસરે ૧૫ હજાર કિલોનો વિવિધ વાનગીઓ સાથેનો અન્નકૂટ ધરાવવામાં આવશે. આ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ સવારે ૧૧:૩૦ કલાકે અન્નકૂટ આરતી ઉતારશે. તેમ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું.
ભગવાન શ્રીહરિ સહિત મંદિરમાં બિરાજતા દેવોને ૧૫ હજાર કિલો વજનનો અન્નકૂટ (મહાપ્રસાદ) ધરાવવામાં આવશે. જેમાં ૮૦૦૫ કિલો મીઠાઈ વાનગીઓ, ૨૭૧૦ કિલો ફરસાણ, ૫૦૦ કિલો બેકરી આઈટમ, ૨૦૦૦ કિલો વિવિધ શાકભાજી સહિત ભીની વાનગીઓ, ૧૦૦૦ કિલો ફળફળાદિ અને વિવિધ મુખવાસ ધરાવવામાં આવશે. અન્નકૂટના આરંભથી ૧ હજાર જેટલા ભાઈ-બહેનો નવ-નવ કલાક સુધી મંદિરના ભોજનાલયમાં ખડેપગે સેવા આપી રહ્યાં છે. આમાં ૬૨ ગામોના સ્વયંસેવકો તથા રવિસભાના સભ્યો છે. આ ગામોમાં ચરોતર કાનમ-સુરત-મુંબઈનો સમાવેશ થાય છે. જ્યારે ભંડાર વિભાગના ઉમેદભાઈ પરમાર, વિશાલ પટેલ સહિતના ૧૦ કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે. આ ઉપરાંત કલ્પેશભાઈ ગઢીયા તથા જયદીપભાઈ પટેલ (અંકલેશ્વર) સેવા આપી રહ્યાં છે. વડતાલ તાબાના મંદિરો અને ૧ હજા૨ ઉપરાંત ગામોમાં વડતાલના ૪૦ સંતો અને ૧૦૦ હરિભક્ત સેવકો ૨૫ વાહનો ધ્વારા અન્નકૂટ પ્રસાદનું વિતરણ કરશે. પ્રસાદની સાથે-સાથે વડતાલ મંદિરના આકર્ષક અને સ્મૃતિરૂપ કેલેન્ડરો, નિર્ણય પણ હરિભક્તોમાં વિતરણ કરાશે. વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી પણ અન્નકૂટ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે.
નરેશ ગનવાણી : નડિયાદ