નડિયાદ તાલુકાના બિલોદરા ગામે કર્મવીર નગર-૨૧ માં અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ ઓઝા રહે છે જે શાળાના આચાર્ય પદ પર હતા. વર્ષ ૨૦૦૫ માં નિવૃત્ત થયા છે. ગત ૧૬ મી સપ્ટેમ્બરના રોજ બપોરના સુમારે તેમના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેથી જણાવ્યું હતું કે, તમારા ઘરનું લાઈટ બિલ ભરવાનું બાકી છે તેથી તમે ભરી દો નહીં તો તમારૂ કનેક્શન કપાઈ જશે. આથી અરવિંદભાઈએ સામે જણાવ્યું કે લાઈટ બિલ તો મેં ભરી દીધેલ છે તો ગઠીયાએ કહ્યું કે ઓનલાઇનમાં બાકી બોલે છે.
આ ગઠીયાની વાતોમાં આવી જતા અરવિંદભાઈ કહ્યું કે કેટલા ચૂકવવાના થાય છે. તો સામેથી ગઠીયા એ કીધું કે તમે ૧૦ રૂપિયા મારા મોબાઈલ નંબર ઉપર ટ્રાન્સફર કરી આપો. હું તમને ચેક કરી આપું કેટલા બાકી નીકળે છે. આમ કરી ગઠીયાએ અરવિંદભાઈના એટીએમ કાર્ડની તમામ વિગતો મેળવી દીધી હતી અને ગણતરીની મીનીટોમા જ તેમના એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન જેમાં ૪૦ હજાર ૧૦ હજાર અને ૩૦ હજાર એમ કુલ ૭૦ હજાર રૂપિયા બેન્ક એકાઉન્ટમાંથી એટીએમ કાર્ડ મારફતે વિડ્રો થઈ ગયેલ હોવાનું અરવિંદભાઈને જાણ થઈ હતી. આ સમગ્ર મામલે અરવિંદભાઈ ઓઝાની ફરીયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ