પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તા.૩૦/૦૯/૨૦૨૨ ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાર્પણ અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ (BLC) આવાસોના ઈ-ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત ખેડા જિલ્લાના ૧૯૮ ગામોમાં ૫૨૪ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તમામ ગામોમાં વિવિધ પદાધિકારીઓ દ્વારા લાભાર્થીઓના આવાસો અર્પિત કરાવવામાં આવ્યા હતા.
ખેડા જિલ્લાના છ ગામો અંધજ, છીપડી, કપરૂપુર, લેટર, રાણીયા અને ભદ્રાસા ગામોને ટુ-વે કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યા હતા. આ છ ગામોમાં અંબાજી ખાતેના મુખ્ય કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉજવણી સ્વરૂપે છ ગામોમાં લોકાર્પણની સાથે સાથે લોકાર્પણના આવાસોના સ્થળે રંગોળી, પૂજા હવન, ગરબા, મેડિકલ ચેકઅપ કેમ્પ, બાળાઓ દ્વારા ગૃહ પ્રવેશ જેવા કાર્યક્રમો યોજયા હતા. આ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ અંબાજી ખાતે પણ નિદર્શિત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયત થયેલ તારીખ ૨૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાના તમામ ગામોમાં જાહેર સ્થળોએ સ્વચ્છતા, અન્ય સ્વચ્છતા ને લગતા કાર્યક્રમો, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા,વાનગી હરિફાઈ જેવા વિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર યોજવામાં આવેલ હતા. આ કાર્યક્રમ અંતર્ગત અંધજ મુકામે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, ભદ્રાસા ખાતે ડી.આર. ડી.એ. નિયામક પી. આર. રાણા અને સંબંધિત તાલુકા વિકાસ અધિકારી, સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ