નડિયાદમાં શહેરમાં ઠેકઠેકાણે રખડતા પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે નડિયાદ પશ્ચિમમાં આજે એક મારકણી ગાય અહીયાથી પસાર થતા રાહદરીને દોડાવી દોડાવી ગોથે ચડાવ્યો હતો. જેના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
નડિયાદ શહેરમાં દિવસેને દિવસે રસ્તે રખડતાં પશુઓનો આતંક વધી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તાર એવા શારદા મંદિર વિસ્તારમાં રખડતી એક ગાય મારકણી બની તોફાન મચાવ્યું છે. આ ગાય રોડ પર આવતા જતા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને પોતાના નિશાન બનાવ્યા હતા. રસ્તે જતા એક વ્યક્તિને તો ગાયે દોડાવી દોડાવીને શીંગડા માર્યા છે. જીવ બચાવવા માટે તે વ્યક્તિ દોડીને બાજુમાં આવેલ મેદાનમાં દોડી ગયો હતો. છતાં પણ ગાય તેની પાછળ દોડી પગ વડે ચગદી દીધો હતો. આ વ્યક્તિને કોઈ ગંભીર ઈજાઓ થઈ નથી. પરંતુ તેના પહેરેલ કપડા ફાટી ગયા હતા. પાલિકાના માણસો આવતા વ્યક્તિને બચાવી લેવાયો હતો. નડિયાદ શારદા મંદિર રોડ સાંઈબાબા મંદિર વિસ્તાર અને ઝલક હોટલ રીંગ રોડ વિસ્તારમા આ ગાયે આતંક મચાવતાં અહીયા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે પાલિકા તંત્ર દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ આ મારકણી ગાયને પાંજરે પુરી દેવામા આવતા સ્થાનિકોએ હાશકારો લીધો છે.
નરેશ ગનવાણી : નડિયાદ