ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માં વપરાશમાં લેવાના ઈ.વી.એમ. મશીનોની ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ મશીનો પૈકી ૮૭–બેલેટ યુનિટ, ૮૭–કંટ્રોલ યુનિટ અને ૮૭–વીવીપેટ ખેડા જિલ્લામાં તાલીમ અને નિદર્શન માટે નકકી કરવામાં આવેલ છે. આ મશીનોનું નિદર્શન બે પ્રકારે કરવામાં આવશે.
ઈ.વી.એમ. કાયમી નિદર્શન કેન્દ્ર અને વાહન મારફતે જિલ્લામાં દરેક મામલતદાર કચેરીમાં અને અન્ય સ્થળોએ મળીને કુલ-૧૭ જગ્યાએ EVM નિદર્શન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યાં છે અને કુલ-૧૬ વાન મારફતે જિલ્લાના દરેક ગામમાં અને શહેરી વિસ્તારોમાં પણ ઈ.વી.એમ. – વીવીપેટનું નિદર્શન કરવામાં આવશે. આ નિદર્શન કાર્યક્રમ વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ ની – જાહેરાત સુધી ચાલુ રહેશે. જેમાં દરેક મતદાર જાતે પોતાનો વોટ નાખી ખાત્રી કરી શકશે. જેનો જિલ્લાના સર્વે નાગરીકોએ લાભ લેવા અપીલ કરવામાં આવે છે. સાથે સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકશાહીની પારદર્શક પ્રક્રિયા અન્વયે લોકોમાં વિશ્વાસ કેળવાય તે માટે ભારતીય ચૂંટણીપંચ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ માહિતી નિયામક નિત્યાબેન ત્રિવેદી, નડિયાદ સીટી એન્ડ રૂરલ મામલતદારો, સોનલબેન ઓઝા, જાદવભાઇ સહિત જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ