નડિયાદ એસીબી કચેરીના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એક નાગરિકે કાકા તથા દાદાની પીઠાઇ ગામમાં આવેલી ખેતીની જમીન વેચાણ રાખી હતી, જેનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કઠલાલ સબ રજીસ્ટ્રારની કચેરીએ નોંધાવેલ હતો, જેની કાચી નોંધ તા. 20 જૂન 2022 ના રોજ પડેલ હતી. આ કાચી નોંધને તા. 4 ઓગસ્ટના રોજ 45 દિવસ પૂર્ણ થવા આવેલ હોવા છતાં કઠલાલ મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર તરીકે કરજ બજાવતાં નરેન્દ્રસિંહ ઝાલા એ કાચી નોંધને પાકી નોંધ મંજૂર કરી ન હતી, જેથી કરિયાદ સર્કલ ઓફિસર નરેન્દ્રસિંહ ઝાલાને મળ્યા હતા. સર્કલ ઓફિસરે આ કામની પતાવટ માટે રકઝક બાદ 45 હજારની લાંચ માંગી હતી. લાંચ નહીં આપતો પાકી નોંધ નહીં પડે અને તમારે પ્રાંત કચેરી ખાતે જવું પડશે. જેથી ફરિયાદીએ ગુરૂવારે 20 હજાર સર્કલ ઓસિરને આપ્યા હતા, અને બાકીના 25 હજાર શુક્રવારે આપવાનું જણાવ્યું હતું. ફરિયાદી આ રકમ આપતાં નડિયાદ એસીબીનો સંપર્ક કરીને કરિયાદ આપી હતી. જેને લઇને નડિયાદ એસીબીના પી.આઇ જે. આઇ પટેલે શુક્રવારે કઠલાલ મામલતદાર કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. ત્યારે ફરિયાદી પાસેથી બાકીની લાંચની રકમ 25 હજાર લેતાં સર્કલ ઓફિસર નરેન્દ્રસિંહ ઝાલાને એસીબીના અધિકારીએ રંગેહાથ ઝડપી પાડયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ