શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે આત્મા પ્રોજેક્ટ ખેડા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન આપવા માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નડીયાદ તાલુકાના ૧૦૦ જેટલા પ્રગતિશીલ ખેડુતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના મુખ્ય મુનિમ સ્વામી, ખેડા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા- ખેડા હાજર રહ્યા હતા.
આ તાલીમમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે ઉંડી સમજણ આપવામાં આવી હતી. પ્રાક્રુતિક ખેતીમાં આવતા પડકારો અને તેના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી મેહૂલભાઈ દવેએ ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું હતું. વધુમાં મેહુલભાઈ દવેએ જણાવ્યું હતુ કે, આવનારા સમયમાં ખેડુતોએ નફાકારક ખેતી કરવી હશે તો પ્રાક્રુતિક ખેતી તરફ વળવું પડશે. પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાશે. તાલીમમાં આવનાર ખેડુતોને “હર ઘર તિરંગા” ના અભિયાનને સફળ બનાવવા અને ભાગીદારી આપવા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે એ વિનંતી કરી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ