નડિયાદમાં મહાગુજરાત મેડિક્લ સોસાયટી સંચાલિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ પદ્મશ્રી પુરસ્કૃત ડો. હર્ષદભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ આયુષમાન ભારત યોજના હેઠળ પીએમ જય કાર્ડનું વિતરણ કર્યું હતું. નડિયાદની ધરતી અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ, મહા ગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક, જાણીતા સાક્ષરો ગોવર્ધનરામ ત્રિપાઠી અને બકુલભાઇ ત્રિપાઠી, મણીલાલ દ્વિવેદી જેવા અનેક માનવરત્નોનું આઝાદીના અમૃત કાળે મુખ્યમંત્રીએ સ્મરણ કરી તેમના યોગદાનને બિરદાવ્યું હતું. ગાંધીજીના આદ્યાત્મિક ગુરુ શ્રીમદ્દ રાજશ્ચંદ્રવજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પણ નડિયાદની ભૂમિ પર કરી હોવાનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે સ્વ.મગનભાઈ દ્વારા નડિયાદમાં કરાયેલા તખાવતી કાર્યો ત્યાગીને ભોગવી જાણવાના સૂત્રને સાકાર કરે છે. ગરીબ લોકોની સેવા હેતુ સેવાભાવના ધ્યેય સાથે જ અહીં હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અને આજે તે જનસેવાનું કેન્દ્ર બની છે. ત્યારે આ હોસ્પિટલને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો તે સમગ્ર નડિયાદ માટે આનંદની વાત છે. વધુમાં તેમણે કોરોના કાળમાં આ હોસ્પિટલ દ્વારા કરાયેલી સરાહનીય સેવા બદલ સમગ્ર હોસ્પિટલ સ્ટાફને બિરદાવ્યા હતા.
સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદમાં નવી આયુર્વેદિક યુનિવર્સિટીના આગમનથી હર્ષની લાગણી વ્યક્ત કરતા મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈએ વિકાસમાં શિક્ષણના મહત્વને અમૂલ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં યુવાનોનો ફાળો હંમેશા વિશેષ રહ્યો છે અને ગુજરાત સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અને વ્યવસાયિક અભ્યાક્રમો થકી યુવાનો ચેતનવંતા અને ઊર્જાવાન બન્યા છે. તેમણે વડાપ્રધાનની પ્રેરણાથી બનેલી નવી શિક્ષણનીતીને રાષ્ટ્ર વિકાસમાં સીમાચિહ્નરૂપ બર્ન રહેશે, તેવો વિશ્વાસ કર્યો હતો.
મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના કુલપતિ એસ. એમ. ગુપ્તાએ સંસ્થાનો પરિચય ઉપરાંત મગનભાઈ એડનવલાની શાબ્દિક જીવની પ્રસ્તુત કરી હતી. પ્રારંભમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન ભાસ્કરભાઈ પટેલે સૌનો આવકાર કરતા જણાવ્યું કે, આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી એચ.એમ.દેસાઈ, પારુલ યુનિ. ના પ્રમુખ દેવાંશુભાઈ પટેલ, સી.વી. એમ . યુનિ. ના ભીખુભાઈ પટેલ, અનુપભાઇ દેસાઇ, નવીનભાઇ ભાવસાર, મનિષભાઇ દેસાઇ સહિત ગર્વનિંગ બોર્ડના સભ્યો, કલેકટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેકટર ભરતભાઈ પટેલ, અગ્રણી વિપુલભાઈ પટેલ, વિવિધ કોલેજોના ડીન, ફેલ્ટી, અગ્રણીઓ, કોલેજના આચાર્યો, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ