કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમૃતકાળ પ્રસંગે તા.૧૫ જુલાઇથી ૭૫ દિવસ સુધી દેશભરમાં ૧૮ થી ૫૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, આર.સી.એચ.ઓ. દ્વારા સંતરામ બાગ,અર્બન હેલ્થ સેન્ટર નડીયાદ વેક્સિન સેન્ટરની મુલાકાત લેવામા આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વધુમાં વધુ લાભાર્થી વેક્સિનનો લાભ લે તે માટે જાહેર અપીલ કરવામાં આવી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧૫ મી જુલાઇ, ર૦રર થી ૭૫ દિવસ સુધી એટલે કે તા. ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી જ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. એટલું જ નહિં, ૧૮-૫૯ વર્ષની વયજુથના અને બીજા ડોઝના ૬ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા લોકો જ આ પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ ગણાશે. આજે ખેડા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે રસીકરણના પ્રથમ દિવસે જ વિવિધ તાલકાઓમાં થઈ કુલ ૫૧૦૦ જેટલી વ્યક્તિઓએ સાંજે ૪.૦૦ કલાક સુધી રસીકરણ કરાવેલ છે.
રાજ્યના આરોગ્ય વિભાગે આ હેતુસર અંદાજીત ૩૫૦૦ કોવિડ વેક્સિનેશન સેન્ટરો પર ૧૫ હજારથી વધુ આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી છે. આ અભિયાન માટે કોવિશિલ્ડ વેક્સિનના અંદાજે ૩.૫૦ કરોડ ડોઝ અને કોવેક્સિનના ૫૦ લાખ ડોઝ ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નરેશ ગનવાણી : નડિયાદ