નડીયાદ તાલુકાના દવાપુરા તાબેના જોરાપુરા ગામમાં દૂધ મંડળી જવાનો બાયપાસ રોડ કાદવ કીચડથી ખદબદી ઉઠ્યો છે. આ રસ્તા પર આજે સવારે દૂધનું ટેન્કર ફસાઈ ગયું હતું જે ભારે જહેમત બાદ બહાર કાઢવામાં ગ્રામજનોને સફળતા મળી હતી.
નડિયાદ તાલુકાના દવાપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોરાપુરા તેમજ એરંડીપુરા આવેલા છે. જોરાપુરા દૂધ મંડળીથી પ્રાથમિક શાળા ભાથીજી મંદિર થઈ બાયપાસ રસ્તામાં ચોમાસામાં કાદવ કિચડ સર્જાતા એમ્બ્યુલન્સ વાન પણ આવી શકતી નથી. આ કાચા રસ્તા પરથી નીકળી શકાય નહીં તેવી સ્થિતિ સર્જાય છે. ગુરૂવારે સવારે દૂધ લેવા ગામમાં આવેલું ટેન્કર કાદવમાં ફસાઈ ગયું હતું. જેથી ગ્રામજનોની ભારે જહેમત બાદ ટેન્કર બહાર નીકળ્યું હતું. આ રસ્તો આરસીસી કે ડામર રોડ બનાવવા અવારનવાર તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ