આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ પ્રાથમિક જરુરીયાતોને સંબંધિત વિવિધ મુદ્દાઓ અને ભવિષ્યમાં આવનાર નવા સુધારાઓ પર ચર્ચા કરીને ગામ લોકોના પ્રશ્નોના સંતોષકારક જવાબ તથા આ બાબતે ઘટતું કરવાની ખાતરી આપી હતી. મતદાર સુધારણા કાર્યક્રમ ઉપર વિશેષ ભાર મુકતા કલેક્ટરએ તમામ ગામ લોકોને તત્કાલિક ધોરણે તમામ જરુરી સુધારાઓ વહેલી તકે પુરા કરી ચુંટણી પ્રક્રિયાને વધુ પારદર્શી અને અસરકારક બનાવવામાં સહયોગ આપવા અને પોતાની નાગરીક તરીકેની જવાબદારીનું વહન કરવા અપીલ કરી હતી. બચાણીએ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં નામ દાખલ કરવા માટે શરૂ થનારા નવા સુધારાઓની વાત કરી હતી. વધુમાં તેમણે મિલકત મુદ્દે ભવિષ્યમાં આવનાર ડ્રોન વડે માપણીની વાત કરી હતી અને 60 વર્ષથી વધુના લોકો માટેના ફ્રી બુસ્ટર ડોઝ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સભામાં વિવિધ લોકો અને પંચાયતના સભ્યો દ્વારા વરસાદી પાણી, જાહેર રસ્તામાં બાંધકામ, સસ્તા અનાજની દુકાન, વાત્રક નદી પરના સાંકડા પુલની ટ્રાફિક અને તેનાથી થતાં અકસ્માતો, આધારકાર્ડના કામ-કાજ માટે થતા ધક્કા, શૌચાલય યોજનાને મામલે થયેલા ભ્રષ્ટાચાર, વંચિતો માટે મકાન પ્લોટની ફાળવણી અને દારુ વેચાણ બાબતે ખુલીને પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. આ સભામાં હાજર પ્રાંત અધિકારીએ ગામ લોકોના તમામ પ્રશ્નોના સમયસર નિકાલ માટે તમામ સ્તરે મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. કઠલાલ તાલુકા વિકાસ અધિકારીએ અધ્રુજી ગામમાં પુર્ણ થયેલાં અને આગામી સમયમાં કરવામાં આવનાર વિકાસકાર્યોનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો.
ઉપરાંત અપુજી ગામ ખાતે તારીખ 8 થી 22 જુલાઈ-2022 દરમિયાન માહિતિ સુધારણા કાર્યક્રમ અંતર્ગત થનાર કામગીરીની વિસ્તૃત માહિતિ બી.એલ.ઓ દ્વારા આપવામાં આવી હતી. જેમાં નામ સુધારણા, કમી કરવા, સરનામું બદલવા તથા ઓનલાઈન સુધારા માટે ગરુડા એપ અને એનવીએસ પોર્ટલની જાણકારી આપવામાં આવી હતી.
ગ્રામ સભા અંતર્ગત નાણાપંચની ગ્રાન્ટ, લાઇટની સુવિધા, રોડ-રસ્તાના હાલમાં ચાલુ, પેવર બ્લોકના કામો અંગે તથા સામૂહિક સફાઈ, સ્ટ્રીટ લાઈટ વગેરે કામો અંગેની સમીક્ષા કરવામાં આવી. અસ્પૃષ્ઠ ગામે યોજાયેલ ગ્રામસભામાં જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી, કઠલાલ તાલુકા વિકાસ અધિકાર, વન વિભાગ, જીઈબી, મતદાર સુધારણા, આંગડવાડી, અન્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, વિવિધ ગામના સરપંચો, સભ્યો સહિત ગામ લોકો હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ