નડિયાદ પાસે ઉત્તરસંડાથી નરસંડાને જોડતા રોડ પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી વર્ષ 2018 થી શરૂ કરવામાં આવી હતી. લાખોના ખર્ચે આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં તાજેતરમાં સુરત ખાતે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં ઓનલાઈન આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી દેવાયું હતું. ત્યારબાદ આ ઓવરબ્રિજ પરથી વાહનોની અવરજવર ધમધમતી થઈ ગઈ છે. જેના કારણે પ્રજાને રાહત થઈ ગઈ છે, પરંતુ હજુ પણ એસ.ટી તંત્ર પોતાની બસો દોડાવવા માટે તૈયાર નથી જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થી આલમમાં ભારે રોષ જોવા મળ્યો છે.
વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં અવરજવર કરવાની ફરજ પડી વડતાલ, નરસંડા, રાજનગર, જોળ, રાવલી, સંજાયા અને મુજપુરા વગેરે ગામના વિદ્યાર્થીઓ ઉત્તરસંડા આઈટીઆઈ તેમજ નડિયાદ કોલેજમાં અભ્યાસ કરવા આવે છે. તે વિદ્યાર્થીઓને એસટી બસનો લાભ મળતો નથી. આ ઓવરબ્રિજ પર થઈને એસટી દોડાવવામાં આવે તો જ ઉત્તસંડા આઈટીઆઈ તેમજ નડિયાદ કોલેજ સુધી વિદ્યાર્થીઓ પહોંચી શકે એમ છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં અવરજવર કરવી પડે છે. સરકારે લાખોના ખર્ચે ઓવરબ્રિજને બનાવીને ખુલ્લો મુક્યો છે. છતાં એસટી તંત્ર કયા કારણસર આ ઓવરબ્રિજ પરથી પોતાની એસટીબસો દોડાવવા તૈયાર નથી તે સમજાતું નથી. આ બાબતે એસ.ટી.ના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર કે માર્ગ અને મકાન વિભાગ તરફથી કોઈ જાતનો લેખિત આપવામાં આવ્યું નથી કે આ ઓવરબ્રિજ પરથી તમે તમારા વાહન દોડાવી શકો છો અગાઉ અમને પરિપત્ર આપીને આ રોડ પરથી વાહનો દોડાવવા માટે પ્રતિબંધ મૂકવામાં કહેવામાં આવ્યું હતું.
બીજી બાજુ માર્ગ અને મકાન વિભાગના અધિકારી કહે છે કે, સુરત ખાતે દેશના વડાપ્રધાને ઓનલાઇન ઉદ્ઘાટન કરી દીધું છે અને આ બાબતની તકતી પણ ત્યાં મારી દીધી છે. એટલે તમામ લોકો આ ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકે છે. એસટી તંત્ર આવા કોઈ પરિપત્ર કે લખાણની આશા રાખે છે તે છતાં પણ અમારા લેવલથી એસ. ટી તંત્રને જાણ કરી દઈશું તેમ જણાવ્યું છે.
નરેશ ગનવાણી : નડિયાદ