નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વારંવાર સર્જાતી વીજ પુરવઠાની સમસ્યા નિવારવા માટે એમ.જી.વી.સી.એલ (વિદ્યુત બોર્ડ) ના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ એક બેઠક યોજી હતી જેમાં નગરપાલિકાના કાઉન્સિલરો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના પશ્ચિમ વિસ્તારની વીજ સમસ્યા માટે પ્રતિદિન વધી રહેલા વીજ ઉપકરણોના કારણે વીજ પુરવઠાની માંગ સતત વધી રહી છે. આ સમસ્યા નિવારવા મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ નવું સબ સ્ટેશન સ્થાપવા માટેની જમીન ફાળવી આપી છે. અને તાત્કાલિક ધોરણે જેટકો દ્વારા સબ સ્ટેશન ઊભું કરવાની તાકીદ પણ કરાઈ હતી.
સાથે સાથે ડભાણ સબ સ્ટેશનથી મળતા વિજ પુરવઠાના કારણે સર્જાતી સમસ્યા નિવારવા માટે સમગ્ર વિસ્તારમાં 15 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ કેબલ PDSS યોજના અન્વયે નાખવા માટેની તાકીદ કરતા તેની પણ મંજૂરી મેળવીને કાર્યવાહી કરાશે. આ ઉપરાંત રસ્તાઓ વચ્ચે ઊભેલા વીજપોલ જે વાહન વ્યવહારમાં અવરોધરૂપ છે. તે પણ દૂર કરવાનું સૂચન કરતાં રાજ્ય સરકારની DISS સ્કીમમાં તેનો સમાવેશ કરીને આ કામગીરી પણ તાકીદે હાથ ધરવાનું જણાવેલ. આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, નાયબ ઇજનેર ઑ પી.આર શાહ, બી કે પારેખ અને જે એમ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વીજ પુરવઠા ની હાલાકી પ્રજાજનોને પડે નહીં તેવી કામગીરી હાથ ધરવાનું આયોજન કરેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ