મે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબ એ આઈ. રાવલ સાહેબનાં નડીઆદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તા.૨૬ ૦૬ ૨૦૨૨ નાં રોજની નેશનલ લોક અદાલત અગાઉ વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી જે આર. પંડીત સાહેબે લોક અદાલતના લાભો વિષે માહિતી આપી જણાવ્યું હતું કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે, લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે, લોક અદાલતમાં કેસોનો નિકાલ-ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી, કોર્ટ ફીની રકમ કોર્ટ ફી એક્ટ મુજબ પરત મળવાપાત્ર છે, અન્ય કોઈ ખર્ચ થતો નથી માટે વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ તેમણે કરી હતી.
નેશનલ લોક અદાલતના સાર્થક પરિણામ સ્વરૂપ આ નેશનલ લોક અદાલતમાં મોટર કેસો, નશાબંધી અને જુગાર ધારાને લાગતાં ૨૭૮ કેસો, વાહન અકસ્માતને લાગતાં ફોજદારી પ્રકારનાં ૬ કેસો, આઈ.પી.સી. હેઠળ કબૂલાતના ૪૬ કેસો, બોમ્બે પોલીસ એક્ટ હેઠળ કબૂલાતના ૧૬ કેસો, એન.સી. પ્રકારનાં ૩૯૧ કેસો, સ્પેશીયલ સીટિંગ ઓફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં લાગુ પડતાં ૪૬૫ કેસો તથા અન્ય ક્રિમીનલ કેસોમાના ૨૬૧૬ કેસો મળીને ૫૮૦૬ કેસો, રાષ્ટ્રીયકૃત બેંકો, મધ્ય ગુજરાત વીજ કંપની, અન્ય નાણાકીય સંસ્થાઓ, મોબાઈલ કંપનીઓનાં લેણી રકમના કોર્ટમાં દાખલ નહીં કરાયેલ તેવા પ્રિલિટિગેશન પ્રકારનાં ૮૯૧ કેસો તથા ટ્રાફીક નિયમ ભંગને લગતાં ટ્રાફીક ચલણનાં ૧૦૪૯ કેસો સહિત કુલ-૭૭૪૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ