નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે સાંજે ત્રાટકેલા વાવાઝોડાને કારણે ઠેકઠેકાણે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ખાસ કરીને અસંખ્ય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. ગઈકાલે મોડી સાંજે સમગ્ર ખેડા જિલ્લામાં પવન ફૂંકાયો હતો. પવનની સાથે સાથે મેઘરાજાની પણ પધરામણી થઈ હતી. આ ત્રાટકેલા વાવાઝોડાની સૌથી વધુ અસર કપડવંજ પંથકમાં જોવા મળી છે. આ પંથકમાં 20 થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો.
કપડવંજ તાલુકાના નિરમાલીના મુવાડા ગામે તથા તેના આજુબાજુના વિસ્તારમાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. નિરમાલીના મુવાડા, દુધાથલ લાટ, મુખીના મુવાડા, અલવાના મુવાડા અને સુલતાનપુર ગામોમાં ભારે નુકસાન થયું હતું. નાના નાના ઝૂંપડાઓ પણ પવનમાં ઉડી ગયા હતા. તો વળી અહીંયા કાચા ઘરના છાપરા દૂર ઊડીને પડ્યા હતા. આ ઉપરાંત નિરમાલીના મુવાડા ગામે વીજ પોલ ધરાશાયી થતા 60 વર્ષીય વૃદ્ધનું પણ મૃત્યુ થયું હતું. વૃદ્ધ પોતાના ઘરની બહાર ખાટલામાં સૂતા હતા, ત્યારે અચાનક પવન આવતા ઘરની બહાર ઉભો કરેલો વીજપોલ તેમના પર જ ધરાશાયી થયો હતો. જેમાં જવાનસિંહ પરમાર નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. વહીવટીતંત્રની એક ટીમ આ ગામની સાથે સાથે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ પંથકમાં 25 થી વધુ જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે 12 જેટલા વીજપોલ પણ અહીંયા ધરાશાયી થયા હોવાનું જિલ્લા વહીવટીતંત્ર જણાવ્યું હતું. ખેડા જિલ્લાના નડિયાદ, માતર, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ સહિતના વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. નડિયાદમાં મોડી સાંજે વાવાઝોડાના કારણે તાલુકા મથકોએ મોટા હોર્ડિંગ્સ સહિત વીજપોલ પણ રોડ ઉપર પડવાના બનાવો બન્યા છે.
નરેશ ગનવાણી : નડિયાદ