નડિયાદ પીજ ચોકડી પાસે રહેતા ઉમેશ કલ્લુભાઇ વર્માના સંબંધી ચાર દિવસ પહેલા નોકરી અર્થે ભાણો મનોજ બસંલ અને રાજકુમાર યુપી થી નડીયાદ આવ્યા હતા. આ બંનેને નોકરી નહીં મળતાં ઉમેશ વર્મા મનોજ અને રાજકુમારને પરત વતન યુપી જવા માટે નડિયાદ રેલવે સ્ટેશન ઉપર આવ્યા હતા. સાબરમતી એકસપ્રેસ ટ્રેનની જનરલ ટિકિટ લઇ આવીને ઉમેશ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં ૨ ઉપર રાત્રિના ૧૦.૩૦ વાગ્યાના અરસામાં બાંકડા પર બેસીને મોબાઇલ ફોન જોતો હતો. ત્યારે એક અજાણી મહિલા અને બે યુવક ઉમેશ પાસે આવ્યા હતા અને એક યુવકે ઉમેશને મોબાઇલ ફોન આપી દેવાનું જણાવતાં ફોન નહીં આપતાં એક યુવક ઉશ્કેરાઇ જઇને ઉમેશને માથામાં અને બંને કાન ઉપર બ્લેડ મારીને લોહી લુહાણ કરીને ઇજાઓ પહોંચાડી હતી. અને યુવકે ઉમેશના પેન્ટના ખિસ્સામાંથી રૂ. પ હજાર કાઢી લઇને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત ઉમેશ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ સંદર્ભે ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે નડીયાદ રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ