વર્ષ ૨૦૨૨-૨૩ ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લાના વિવિધ પદાધિકારીઓ/અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ બ્રીંફીંગ મિટિંગમાં વર્ચુઅલ માધ્યમથી જોડાયા હતા. આગામી તારીખ ૨૩,૨૪ અને ૨૫ જૂન એટલે કે ત્રણ દિવસ રાજયભરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે પ્રવેશોત્સવ યોજાશે. મહાનગરોમાં કમિશ્નરશ્રીના અધ્યક્ષસ્થાને અને જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ માટેની ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓને જણાવ્યું કે, શિક્ષણ એ સૌ બાળકોનો પ્રાથમીક અધિકાર છે. અને છેવાડાનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, તે કાર્ય ખેડાના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને પદાધિકારીઓનો છે. સાથોસાથ જિલ્લા પંચાયત પ્રમુખ એ જણાવ્યું કે,પરપ્રાંતિયો મજૂરી કરવા ગુજરાત આવી, પોતાનો જીવન નિર્વાહ કરે છે, તથા તેમના બાળકોના શિક્ષણની જવાબદારી ગુજરાત સરકારની છે, આ બાબતની આપણે સૌ અધિકારીઓએ કાળજી રાખવી જોઈએ. આ સમીક્ષા બેઠકમાં કલેકટર કે.એલ.બચાણીએ અધિકારીઓને સુચવ્યું કે,ચાઈલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગના જન્મ નોંધણીના ડેટાને એકીકૃત કરવામાં આવે અને જે બાળકોના શિક્ષણની વય થવાની સાથે જ તેમણે શાળામાં દાખલો આપવામાં આવે.વધુમાં કલેકટર સુચવ્યું કે, પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી નામાંકનમાં રહી ગયેલા બાળકોનું સતત ફોલોઅપ કરવું, અને પુન:પ્રવેશનું આયોજન કરવાનું અધિકારીઓને સૂચવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, ખેડા જિલ્લાના એસ.પી રાજેશ હઢીયા, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ સહીત અન્ય અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ