ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખરીફ ૨૦૨૨-૨૩ના સિંચાઈ આયોજન બાબતે મહી સિંચાઈ વર્તુળ નડીઆદ ખાતે મહી જમણા કાંઠા નહેર યોજના તેમજ ખેડા/આણંદ શેઢી-મેશ્વો યોજના માટે વિશિષ્ટ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીની સિંચાઈ અને નહેર ક્ષત્રે થયેલી કામગીરીને ખેડૂતો સહિત તમામ સ્તરના લોકોએ સકારાત્મક અભિપ્રાય આપ્યો છે. જે બદલ તેમણે તમામ અધિકારી ઓની કામગીરીને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે પરીસ્થિતિ મુજબ સરકારની કામગીરી પણ બદલાયી છે અને પાણીના પ્રશ્ને સરકારનું એક ચોક્કસ આયોજન અને ગણતરી છે. ઉપરાંત અન્ય કોઈ પણ પ્રશ્ન અને મૂંઝવણ માટે રજૂઆત કરવાનું સુચન મંત્રીએ કર્યું હતું.
આ બેઠકમાં ૨૦૨૧-૨૨ માં થયેલ ઋતુવાર સિંચાઇ, કડાણા જળાશયમાં પાણીની ઉપલબ્ધિ તથા મહી કમાન્ડ વિસ્તારમાં સિંચાઇ માટે ઉપલબ્ધ પાણીના જથ્થાની વિગતો અને ખરીફ ૨૦૨૨-૨૩માં પાણી છોડવાનું આયોજન, પાણીની ઉપલબ્ધિને આધિન ખેતીવાડી ખાતાના અધિકારી દ્વારા ખરીફ પાકનું આયોજન તથા સંભવિત વાવેતરનો સમય તેમજ વિસ્તારના સંદર્ભે પાણીની જરૂરીયાત બાબત, નહેરોને રોટેશન પ્રમાણે ચલાવવા અંગે તેમજ સિંચાઇના આગોતરા ફોર્મ ભરવા બાબત, મહી કમાન્ડ તેમજ શેઢી – મેશ્વો કમાન્ડમાં બાકી પિયાવાની વસુલાતની સ્થિતિ, ધારાસભ્યઓ/પદાધિકારીઓ/અધિકારીઓ તરફથી સુચનો, રજુઆતો, વર્ષ-૨૦૨૨ દરમ્યાન નહેરોના સુધારણાના નવા તથા પ્રગતિ હેઠળના કામોના આયોજનો, કપડવંજ તાલુકામાં વાત્રક, મહોર અને વારાંશી નદી પરના ચેકડેમોની કામગીરી અને આયોજન, શેઢી શાખા અને મેશ્વો મુખ્ય નહેર પરની કામગીરીનું આયોજન વગેર મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, સિચાઈ વિભાગના અધિકારીઓ, ઈજનેરો અને કર્મચારીઓ સહિત ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.